જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બુધવારે તેમના પક્ષના ધારાસભ્યો અને સમર્થક સ્વતંત્ર ધારાસભ્યો સાથે ઓફ-સાઇટ બેઠક યોજી હતી, જે દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં યોજાઈ હતી.
વિપક્ષી નેતા સુનિલ શર્માએ દાવો કર્યો હતો કે નેશનલ કોન્ફરન્સ સરકાર ગમે ત્યારે પડી શકે છે અને કેટલાક ધારાસભ્યો પક્ષ બદલી શકે છે તે પછી આ બેઠક થઈ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટા શેર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બધા ધારાસભ્યો બસ દ્વારા બેઠક સ્થળ માટે રવાના થયા હતા. તેમણે કહ્યું કે આ બેઠક છેલ્લા ૧૯ મહિનામાં થયેલા કામની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી, જેમાં “સારા, ખરાબ અને તેની વચ્ચેની દરેક બાબતો”નો સમાવેશ થાય છે.
સૂત્રો અનુસાર, શરૂઆતમાં બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ બાદમાં મીડિયાની નજરથી બચવા માટે ધારાસભ્યોને મિનિબસમાં દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યા હતા.જાકે, મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે બેઠક છેલ્લી ઘડીએ ખસેડવામાં આવી ન હતી પરંતુ દાચીગામમાં યોજાવાની યોજના પહેલાથી જ હતી, અને બધી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધારાસભ્યોને મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં જાહેર હિત અને સામૂહિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તેમના પક્ષના ધારાસભ્યો તેમજ સરકારને ટેકો આપતા ચાર સ્વતંત્ર ધારાસભ્યો હાજર રહ્યા હતા.






































