અમરેલી જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટના બની હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૂચાવંડના અને હાલ સુરતના પાસોદરમાં રહેતા નિકુંજભાઈ અશ્વિનભાઈ ગેલાણી (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમના કુટુંબીભાઇ ૦૨/૦૬/૨૦૨૬ ના રોજ સવારના સાડા નવેક વાગ્યે પોતાની મોટરસાયકલ લઇને બાબરાથી ચાવંડ ગામ તરફ જતા હતા તે વખતે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ડોલી વોટરપાર્ક પાસે પહોચતા સામેથી એક સફેદ કલરની હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં બંન્ને પગમાં તથા ડાબા હાથમાં ફેક્ચરની ઈજા થઈ હતી. બીજા બનાવમાં બાબરાના કરીયાણા ગામે રહેતા અને હીરાકામ કરતાં સંજયભાઈ સોમાભાઈ સાકરીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, મનસુખભાઈ સોમાભાઈ સાકરીયા રાત્રે પોણા એક વાગ્યે ખંભાળાથી કરીયાણા વચ્ચે આધીયા ડુંગરની સામેથી પસાર થતાં હતા ત્યારે આડે રોઝડું આડું પડતાં મોટર સાયકલ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં તેમનું મોત થયું હતું અને પાછળ બેઠેલા નીલેશભાઈને નાની મોટી ગંભીર ઈજા પહોંચી હતી. ત્રીજા બનાવમાં હિંડોરાણા નદી કાંઠા વિસ્તારમાં રહેતા રામભાઈ વાજસુરભાઈ પટાટ (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા વાજસુરભાઈ ભીમાભાઈ પટાટ રાજુલાથી હિંડોરણા ગામે મોટર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન છતડીયા ગામના બસ સ્ટેશનથી આગળ સર્વિસ રોડ ઉપર આશરે ચારેક વાગ્યાના અરસામા પહોંચતા હિંડોરણા ગામ તરફથી સામેથી એક બોલેરો વાહન ચાલકે તેમના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતાને ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક વાહન સ્થળ ઉપર મુકીને નાસી ગયો હતો.