કુંકાવાવ તાલુકાના અમરાપુર ગ્રામ પંચાયતનો મોટો ધાંધિયાબાજીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગામની સુરક્ષા માટે જનતાના ટેક્સના અંદાજે રૂ.૩,૯૦,૦૦૦ ના ખર્ચે લગાવવામાં આવેલા ૧૬ સીસીટીવી કેમેરા હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. પૂર્વ સરપંચ સુખાભાઈ વાળાએ મીડિયા સમક્ષ પંચાયતની આ ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે. આશ્ચર્યની વાત એ છે કે કુલ ૧૬ કેમેરામાંથી માત્ર ૧ જ કેમેરો ચાલુ છે અને બાકીના ૧૫ કેમેરા સદ્દંતર બંધ છે. કેટલાક કેમેરાના વાયરો પણ કપાયેલા જોવા મળ્યા છે, જેને કારણે આખું ગામ ભગવાન ભરોસે મુકાઈ ગયું છે. કલેક્ટર અને એસ.પી.ની સ્પષ્ટ સૂચના હોવા છતાં તલાટી કે ટીડીઓ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. મેન્ટેનન્સ એજન્સીની આવી નિષ્ક્રિયતા સામે પૂર્વ સરપંચે ઉચ્ચ સ્તરે કડક તપાસની માંગ કરી છે.