એઆઇએડીએમકે નેતા આઇ એસ. ઇન્બાદુરાઇએ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાસેફ વિજયની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતાઓ અને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે મુખ્યમંત્રી વ્યાપક બહુ-સ્તરીય સરકારી સુરક્ષા હોવા છતાં ખાનગી બોડીગાર્ડ્‌સ પર કેમ આધાર રાખે છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્બાદુરાઇએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુખ્યમંત્રીની સુરક્ષા માટે પહેલેથી જ ખૂબ જ કડક સત્તાવાર સુરક્ષા ઘેરો સ્થાપિત કરી દીધો છે, જેમાં એક ખાસ ‘કોર સેલ’નો સમાવેશ થાય છે.
ઈન્બાદુરાઈએ તેમની પોસ્ટમાં પૂછ્યું કે જ્યારે સરકાર પહેલાથી જ કોર સેલ સહિત અનેક સ્તરોની સત્તાવાર સુરક્ષા પૂરી પાડે છે ત્યારે મુખ્યમંત્રી શા માટે વ્યક્તિગત અંગરક્ષક સાથે ફરતા હતા. એઆઇએડીએમકે નેતાએ એવો પણ પ્રશ્ન કર્યો કે શું વ્યક્તિગત અંગરક્ષક પર આ નિર્ભરતા દર્શાવે છે કે મુખ્યમંત્રીને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ નથી. તેમણે પ્રશ્ન કર્યો કે શું સરકારની સત્તાવાર સુરક્ષા વ્યવસ્થાનો ભાગ ન હોય તેવી વ્યક્તિને મુખ્યમંત્રી સાથે હંમેશા બોડીગાર્ડ તરીકે જવા દેવાની મંજૂરી આપવી એ સ્થાપિત માર્ગદર્શિકા અનુસાર છે.
તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે કયા કાનૂની અને પ્રક્રિયાગત ધોરણે કોઈ ખાનગી વ્યક્તિને સત્તાવાર સુરક્ષા વ્યવસ્થાના અત્યંત સંવેદનશીલ “એક્સેસ કંટ્રોલ ઝોન” માં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. તેને ભૌતિક સુરક્ષા અને માહિતી સુરક્ષા બંને સાથે સંકળાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો ગણાવતા, એઆઇએડીએમકે નેતાએ આ બાબતે તમિલનાડુ સરકાર પાસેથી ઔપચારિક સમજૂતીની માંગ કરી.