શહેર ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. સિંગણપોર વિસ્તારમાં થયેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ સર્જી દીધું છે. સામાન્ય બોલાચાલી અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ, સિંગણપોર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય હર્ષિલ પાટીલ અને ૨૫ વર્ષીય ભટ્ટુ માળી પોતાના મિત્રોની સાથે ચા પીવા માટે બહાર ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક અન્ય યુવકો સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય દેખાતો વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો.
સાક્ષીઓના જણાવ્યા મુજબ, આશરે ૧૦થી ૧૫ જેટલા યુવકોના ટોળાએ અચાનક જ ધારદાર હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળીને નિશાન બનાવી તેમના પર ચપ્પુ વડે અનેક ઘા ઝીંક્યા હતા. હુમલાના પગલે બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને મિત્રો તાત્કાલિક બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી ગયા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન બંને યુવકોનું મોત નીપજ્યું હતું. ડબલ મર્ડરની આ ઘટનાથી બંને પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી પુરાવાઓ એકત્રિત કર્યા છે. પ્રાથમિક તપાસમાં જૂથ અથડામણ અને અગાઉની અદાવત સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે. હુમલામાં સામેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.








































