રાગ – વૈરાગ – ૧૩

ત્રીજે દિવસે એ જ બસમાંથી રૂપા ઊતરી ત્યારે આનંદને લાગ્યું કે ચાંદ ધરતી ઉપર ઉતરી આવ્યો છે કે શું?!
આટલા દિવસ સુધી રહેલા હૈયાના સૂનાં બગીચામાં રૂપા નામની કોયલે આવીને એ બગીચાને પોતાના સૂરીલા ટહુકારથી ભર્યો ભર્યો કરી દીધો છે..!
રૂપાના વસ્ત્રોમાંથી આજે આવી રહેલી કોઈ મીઠી મીઠી સુગંધે તેના અંતર તલ ને બાગ બાગ કરી દીધું હતું!
**
બસમાંથી ઊતરીને ઘર ભણી ચાલતી થયેલી રૂપાને આનંદ શેરીમાં સામો મળ્યો , ત્યારે રૂપાએ તેની સામે જાણે કંઈક આછાં ગુસ્સા થી જોયું. શુક્રતારક જેવી બે આંખો આનંદ સામે મંડાઈ કે આનંદ નું હૃદય જાણે ધબકાર ચૂકી ગયું.એ આંખોમાં જ સ્તો પોતે ડૂબ્યો હતો ને? એ મારકણી આંખોમાંથી પાંપણ ના કાંઠા તોડીને જાણે છાલક ઉડી અને આનંદ ભીંજાયા વગરનો રહ્યો નહીં. વંકાયેલા રૂપાના હોઠ જાણે હમણાં બોલ્યા કે બોલશે એવી આશા જો કે ફળી નહીં.પણ ચાંદ જેવા રૂપાળા મુખડા ના ઘણાય દિવસો પછી દર્શન થયાં એટલે આનંદ જાણે તૃપ્તતૃપ્ત થઈ ગયો. જો કે બેમાંથી કોઈ કંઈ બોલી શક્યું નહીં. કારણ કે રૂપાની પાછળ આવી રહેલું કોઈ જણ કોઈ રૂપાને મૂકવા આવનાર હતું. તેના મામા હોઈ શકે, આનંદે વિચાર્યું. છતાંય બન્નેને લાગ્યું કે નજરથી નજર મળી ને એ ચાર નજરું એ ઘણી બધી વાતો કરી લીધી છે.!. ઘડીક રોકાઈને એના મામા વળી નીકળ્યા.
આનંદે તે દિવસે ઘરે આવીને જોયું. રૂપા અઠવાડિયામાં બદલાઈ ગઈ હતી..! તેના હાવભાવ,વાણી,વર્તનમાં કંઈક નોખો જ બદલાવ હતો. તેનો વાન વન વગડામાં ખીલી ઉઠેલા ખાખરા જેવો ખીલ્યો હતો. ચહેરા ઉપર શરમ લિપાઈ હતી. હોઠ વારે ઘડીએ હસુ હસુ થતા હતા પણ કશું બોલતા નહીં. આનંદ પ્રતિક્ષામાં હતો કે રૂપા કંઈક બોલે. પણ રૂપા સહેતુક મૌન હતી. કેમ કે, બંનેમાંથી પહેલા બોલાવવાની પહેલ આનંદ કરે તેમ તે ઇચ્છતી હતી.પણ આનંદને એવી બધી બાબતોની એની ખબર પડતી નથી.આનંદને લાગ્યું કે રૂપાને મોસાળમાં ખૂબ ગમી ગયું હશે. પણ પછી તે રહી શક્યો નહીં. બે દિવસ પછી જમતા જમતાં તે સહજ ભાવે જ બોલી ઊઠ્‌યો,, ‘હાશ, બહુ મજા આવી ગઈ જમવાની.’
‘કેમ એમ બોલ્યા?’
‘અહીં જે જમવાની મજા છે તે ગમે ત્યાં હું જાઉં તો પણ ન આવે.’
‘કેમ? ક્યાંય જવાનું છે?’
‘તને પૂછ્યા વગર નીકળું?’
‘ બસ , હવે હોં! ખોટેખોટું માખણ લગાડો મા ! જ્યારે જાવ છો ત્યારે તો મોઢામાં મગ ભર્યા હોય છે! ત્યારે તો કાઈ બોલતા નથી અને અત્યારે સારું લગાડો છો? ’
‘અરે,અરે પણ..’
‘ત્યારે શું? ઘરે ગયા ત્યારે પાછું વળીને બે વેણેય બોલ્યા’તા કે હું જાઉં છું?..’બોલીને રૂપા આનંદ સામે ઠપકાભરી નજરે તાકી રહી.એ નજરમાં પ્રેમ પણ હતો અને પીડા પણ હતી.
‘તારાથી છુટ્ટા પડ્‌યાની વેળા ઘણું ઘણું બોલવું હતું, તને કહેવું હતું પણ હું એક શબ્દેય જો બોલી શક્યો હોઉ તો મારા સમ છે, પણ તને ખોટું લાગી ગયું?’
‘તમારા દિલને પૂછો,જવાબ મળી જશે..’
‘ભૂલ મારી છે. માફ કરી દઈશને તું?’
‘સાવ પોચા આદમી છો તમે?’ રૂપા નજીક આવી.તેના શરીરમાંથી આવતી એક સુગંધે તેને વિચલિત કરી દીધો.અને તેને સાવ અડોઅડ અનુભવીને આનંદ બોલી ઊઠ્‌યો. ‘તું જેવો ધારે તેવો જ છું, સાવ પોચો .સાવ કોમળ..!!પણ સાચું કહું? તારા વગર દિવસો કેમ કાઢ્યા છે એ મારું મન જાણે છે.’ કહેતાં આનંદે તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.
‘ બસ હવે,પહેલા જમી લ્યો..પછી બધી વાત!’ રૂપાએ પોતાનો હાથ પાછો ખેંચી લેતા કહ્યું.આનંદે જમવાનું પૂરું કર્યું અને પછી બોલ્યો, ‘મને હવે વાર પરબમાં ક્યાંય મજા નથી આવતી.’
‘મને તો બહુ મજા આવી ગઈ.”
‘હં…એટલે ટામેટા જેવી થઈ ગઈ છો. મામાના ઘરે દૂધ – ઘી સરખાઈ ના ઝાપટ્યાં લાગે છે.’
‘અમે બધાં ફિલમ જોવાય ગયાં’તાં.’
‘હોય નહીં. કેવી’ ક ફિલ્લમ હતી?’
‘અરે, મજા આવી. ક્યારેક ક્યારેક ફિલ્લમ જોવા જવાનું હોય તો કેવું સારું.?’
આનંદ રૂપાની વાતો સાંભળતો રહ્યો. પછી કંઈક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠ્‌યો, ‘એક વાત કહું તો તને ગમશે?’
‘શું?’
“તારા માટે થોડીક વસ્તુ લાવ્યો છું.’
‘શું વળી?’ તેણે ભ્રમર નચાવતાં કહ્યું.
‘ચાલ બતાવું.’
રૂપા ચણિયો પકડી ચોટલો ઝુલાવતી મેડે ચડી. આનંદે બેગ ખોલી. એક નાનકડું બોક્સ કાઢ્યું અને એમાંથી નેઈલ પોલિશની શીશી, ચાંદલા, કાચનાં કંગન અને એક ગોલ્ડન પ્લેટેડ ચેઈન અને બુટ્ટી કાઢીને રૂપાની હથેળીમાં મૂકતાં બોલી ઊઠ્‌યો, ‘હોંશથી આ બધું હું મારી જાતે, તારા માટે લાવ્યો છું, પણ હવે લાગે છે કે કંકુબહેનને ખોટું તો નહીં લાગેને?’
‘ખોટું તો નહીં લાગે, પણ આટલો બધો ખર્ચો કેમ કર્યો?’
‘બસ, એમ જ! હું તારે માટે કંઈ લાવી ન શકું?’ આનંદે લાગણીમાં પૂછી નાખ્યું.
રૂપા આનંદની નિર્દોષ આંખોને તાકી રહી અને પછી એ નિર્દોષ અને
આભાર – નિહારીકા રવિયા પારદર્શક આંખોની ભાવુક્તામાં ખોવાઈ ગઈ..
‘તને ગમ્યું તો ખરુંને? આનંદ પૂછતો હતો. રૂપાને થયું કે શું કહું આ ભલા માણસને? તેણે આભારવશ થઈ આંખો ઢાળી દીધી.
‘તને ગમ્યું? એ તો કહે.’ આનંદે બીજી વાર પૂછ્યું. ત્યારે એ બોલી, ‘હા, ગમ્યું.’
‘મારા સમ?’ આનંદે એનું કાંડું પકડી લીધું, પણ એ પહેલાં તો રૂપાએ પોતાની નાજુક હથેળી આનંદના હોઠ ઉપર મૂકી દેતાં લગભગ આછા ગુસ્સાથી ધ્રુજતા સ્વરે બોલી ઊઠી, ‘હવે પછી તમારા સમ ખાધા છેને તો તમનેય મારા સમ છે.!! વાત વાતમાં શું આવી ટેવ પડી ગઈ છે કે મારા સમ મારા સમ..મારા સમ..??!’ બોલતી બોલતી એ મેડાની નીચે ઊતરી ગઈ. આનંદ તેની ગોરી ગોરી પીઠને તાકી રહ્યો.
(ક્રમશઃ)