રાજુલાના ડુંગર ગામે માત્ર સામે જોવા જેવી નજીવી બાબતે એક યુવક સાથે ઝઘડો કરી તેને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે ફરિયાદીએ સામાવાળા શખ્સ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાહીદભાઇ ઉસ્માનભાઇ ગાહા (ઉ.વ.૨૨) એ મજીદભાઇ મુસાભાઇ ગાહા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘર પાસે બેઠો હતો, તે દરમિયાન સામાવાળો શખ્સ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થયો હતો. આ વખતે તેમણે તેની સામે જોતા સામાવાળાને તે ગમ્યું નહોતું અને તે ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો દેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ઝાપટ મારવા પ્રયાસ કર્યો
હતો, જે દરમિયાન ફરિયાદીએ પોતાનો ડાબો હાથ આડો રાખતા તેને ડાબા હાથ પર ઝાપટ વાગી હતી અને મૂઢ ઈજા થઈ હતી. આ મામલે જ્યારે સાહેદ વચ્ચે છોડાવવા પડ્યા, ત્યારે આરોપીએ તેમને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે.પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































