આ વખતે શિયાળો સાવ નવા રંગનો હતો. હતો અને ન હતો. થોડીક જ રાત્રિઓ ઠંડી હતી. હવે વસંતઋતુ નજીક આવી ગઈ. ભય અનેક પ્રકારના છે. એની વચ્ચે અભય થઈને રહેવું એ મહાપુરુષોનું કામ છે. આરોગ્યની બાબતમાં ભલભલા ભૂ પીતા જોવા મળે છે. ગુજરાતીઓની જીભ સદાય વિવિધ સ્વાદ-આસ્વાદ તરફ ઢળતી રહે છે. જમ્યા પછી પણ જમી શકે છે. રસ્તામાં કોઈ સાદ કરે કે એ…. હાલો ભજિયા ખાવા… તો કહે કે હાલો… આ આવ્યા – એનું નામ ગુજરાતી. પછી જ્યારે ઘરમાં દીકરાની વહુ આવવાની થાય ત્યારે રોજની ચાર-પાંચ ટિકડી ચાલુ થઈ ગઈ હોય. વહુ પછી પિયર જઈને વાતો કરે કે મારા સસરાને તો સાવ મોળી રસોઈ જોઈએ. કોઈ દિ’ ફરસાણ નો ખાય. કેરીનો રસ પણ ચમચી જ ચાખે. સુખ લેવાની અને હૈયે ટાઢક વાળવાની ઉંમરે પહોંચતા સુધીમાં તો મોટાભાગના ગુજરાતીઓનું આરોગ્ય છાપરે તડકે મૂકાઈ ગયું હોય. જિંદગી બહુ જ ટૂંકી સફર છે. જાણે કે પલ દો પલ કા સાથ ! વળી આ તો કળજુગના વરસો છે એટલે એને પોણિયા વરહ ગણવાના. આમ એક દિવાળી આવે ને કંઈ વિચાર કરો ન્યાં લગણમાં તો હડી કાઢતી બીજી દિવાળી આવી જાય.
જિંદગી લોકો માને છે એના કરતા બહુ ટૂંકી હોય છે. કેટલાકને સંતાનોને બદલે સંપત્તિ વહાલી હોય તો કોઈને ઘરના મીઠા રોટલા પડતા મેલીને બહારની મિજબાનીમાં રસ હોય. પણ છેલ્લી ઘડીએ બધી ભાન થાય છે. હાથપગ હાલતા બંધ થાય તંયે નજર સામે આખી જિંદગીની ફિલમ દેખાય છે. ને ત્યારે જિંદગી હાથમાંથી સરી ગઈ હોય છે. આપણા દેશમાં સૌથી વધુ બેદરકારી આહાર પરત્વેની છે. દુનિયાના તમામ દેશોની આહાર- વિહાર પરંપરાઓ સામે આરોગ્ય ક્ષેત્રના સંશોધકો અને વૈજ્ઞાનિકોએ અનેકવાર ચેતવણીની ઘંટડી વગાડી છે. પણ એ લોકોની વાત આપડે ગુજરાતીઓ તો સાંભળે છે જ ક્યાં ? એમના કહેવા પ્રમાણે આપડા કરતા તો આદિવાસીઓ સારા. આપડા કરતા એટલે શહેર અને ગામડાની પ્રજાની તુલનામાં આદિવાસી અને વનવાસી પર ઓછામાં ઓછું જોખમ છે. તેમને કુદરતી હવા ઉજાસ મળે છે. તેઓ સદાય પ્રકૃતિને ખોળે રહે છે.
આ એ આદિવાસીઓ છે કે જેઓ પોતાના પ્રાચીન રીત-રિવાજો અને પરંપરાઓને વળગી રહ્યા છે. ભલે અનિચ્છાએ પણ પ્રકૃતિથી ઘેરાયેલા નાગરિકોમાં આ આફ્રિકન પ્રજા પ્રથમ ક્રમે છે. પ્રકૃતિના નિરંતર સહવાસને કારણે જ તેઓ ખૂબ શક્તિશાળી અને તંદુરસ્ત છે. આફ્રિકન પ્રજામાં પણ દરિદ્ર હોય તેવો મોટો સમુદાય છે, છતાં તેઓ ટકી શકશે કારણ કે વૈભવી ને વિલાસી જીવનથી તેઓ દૂર છે. છેલ્લા દાયકાથી આફ્રિકાની પ્રકૃતિને લૂંટનારાઓ હવે ત્યાં પહોંચ્યા છે. આ લૂંટારાઓ સ્થાનિક વનસ્પતિઓમાંથી પ્રાપ્ત દિવ્ય ઔષધિઓને વિશ્વ બજારમાં વેચીને લાખો ડોલર કમાઈ રહ્યા છે.
આફ્રિકામાં આગંતુકો કોઈક સ્થાનિક વગદાર સાથે ભાગીદાર કરીને આ લૂંટ ચલાવે છે. તો પણ આહાર વિજ્ઞાન અને પર્યાવરણના સંદર્ભમાં એ પ્રજાના અસ્તિત્વની સલામતી અધિક છે. આફ્રિકામાં કેટલાક દેશો ભૂખમરાની હાલતમાંથી પસાર થઈ રહ્યા છે, એનું કારણ પણ એ જ છે કે તેઓ સંપૂર્ણ રીતે પ્રકૃતિની વિમુખ છે. ભારતમા પ્રકૃતિ વિમુખ લોકોની ટકાવારી ઘણી ઉંચી છે, જ્યાં સુધી એ વિમુખતાના વિકરાળ પરિણામોનું વિષચક્ર શરૂ ન થાય ત્યાં સુધી સહુ પોતાની કહેવાતી પ્રગતિમાં ગુલતાન રહેવાના છે. જેટલો સમય કોરોના કે એનો ભય જીવંત રહે એટલો સમય થોડી સાવધાની રહે પછી તો હતા ત્યાં ને ત્યાં… એટલે કે એ જ ઉકરડા પાસે ઊભેલી પાણીપુરીની લારી ને એ જ દસ દિવસ પહેલા તળેલા સમોસા. કાળી કડાઈના કાળા તેલમાં તળેલા ગાંઠિયા અને કેમિકલ ઘીમાં બનેલી જલેબી.
હજુ કોરોના અને યુદ્ધ જેવા નિતનવા સંકટો તો આવતા જ રહેવાના છે. આવનારા વરસોમાં મૃત્યુદર વધવાનું એક કારણ એ છે કે કુદરતી મૃત્યુદરને ઔષધિ વિજ્ઞાનની સહાયથી માનવ જાતે અંકુશમાં રાખ્યો હતો અને મેડિકલ સાયન્સે આ દુનિયામાં કરોડો લોકોની આયુષ્ય રેખા લંબાવી આપી છે. પરંતુ નીરોગી રહેવાના આગોતરા પગલાઓ લેવામાં જે ઉપેક્ષા કરવામાં આવી રહી છે એને કારણે સરેરાશ મૃત્યુદર ઊંચે જવાનો છે. પૃથ્વીનો કુલ નવો ૧૩ ટકા ભૂભાગ સમુદ્રમાં સમાઈ જવાનો છે જેને બહુ થોડા વરસોની વાર છે. જે રીતે ગ્લોબલ ર્વોમિંગને રોકવા માટે પેરિસ કરાર જેવી વાર્તાઓ થતી રહે છે અને થવાની છે પરંતુ એનો અમલ થતો નથી, એને કારણે પ્રચંડ વેગથી આ દુનિયા હવે એક નવા સંકટ તરફ ધસમસતી આગળ વધી રહી છે, જેમાં પણ આકસ્મિક કારણોસર લાખો નાગરિકો અકારણ મોતના મુખમાં હોમાઈ જવાના છે. કારણ કે સામાન્ય નાગરિકોને તો એક ઝાડ વાવવામાં પણ રસ નથી. સહુને કેરી ખાવી છે, કોઈને આંબો વાવવો નથી.
માણસ ક્યાં ખોવાયો છે એની એને જ ખબર નથી. કરવાના કામ પડ્યા રહે છે અને માણસ ક્યાંક ખોટા ઉંબરે ને ખોટા ઓટલે ઠેબા ખાતો ફરે છે. એનો જ ધડો ન હોય એમાં એ પૃથ્વીની શું સંભાળ લે ? સાવ અકારણ તો નહિ, કારણ કે ઔદ્યોગિક ક્રાન્તિના જમાનાથી બહુસંખ્ય લોકોએ પૃથ્વીની હાલત તરફ જોયું જ નથી. આજની સુખાકારીની લાલચમાં મનુષ્યે ભવિષ્ય માટેના હિમાલયન પ્રશ્નાર્થો ઉભા કરી દીધા છે. અંગારવાયુના ઉત્સર્જનના કારણે ઉત્તર ભારતની સ્થિતિ કલુષિત થઈ ગઈ છે. ગુજરાતના શહેરોમાં એની અસર હવે દેખાય છે. શિયાળામાં જેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતરે છે તેમને દેશના આ પાટનગરમાં પ્રવેશતી વેળાએ હવે જીવલેણ અનુભવો થવા લાગ્યા છે. હવા જ જો હવા ન હોય તો જીવ માત્ર શું કરે ?











































