ઉના અને ગીરગઢડા પંથકમાં ખુલ્લા કૂવા વન્યજીવો માટે જોખમી બની રહ્યા છે. ગત મોડી રાત્રે ગીરગઢડાના ઝાંઝરિયા ગામની સીમમાં એક ૬ માસનું સિંહબાળ રવેસિંગભાઈ વાળાની વાડીના ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ જસાધાર રેન્જની વન વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. કૂવામાં પાણી હોવાથી સિંહબાળ ડૂબવાની તૈયારીમાં હતું, ત્યારે વનકર્મીઓએ જીવના જોખમે નીચે ઉતરી પાંજરાની મદદથી સિંહબાળને સલામત બહાર કાઢ્યું હતું.










































