ગત છ ડિસેમ્બરે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ નામના અંગ્રેજી સમાચાર પત્રના નેતૃત્વમાં શિખર સંવાદ કાર્યક્રમ હતો. તેમાં વડાપ્રધાન મોદી પણ ગયા હતા. નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવા પહેલી વાર ગયા હતા તેવું નથી.
આ અગાઉ ૨૦૦૭માં પણ નરેન્દ્ર મોદી ગયા હતા. તે સમયે તેઓ મુખ્ય પ્રધાન હતા અને સંચાલક તરીકે તેમના ઘોર વિરોધી રાજદીપ સરદેસાઈ હતા. રાજદીપ સરદેસાઈએ કેસરી ઝભ્ભો પહેર્યો હતો. રાજદીપથી લઈને મધુ ત્રેહાન સહિતના પત્રકાર-કલમઘસુઓએ મોદી પર તડાપીટ બોલાવી હતી. રાજદીપે તો એટલો ત્રાસ ફેલાવ્યો હતો કે મોદીજીએ શોભના ભારતીય (જે હિન્દુસ્તાન ટાઇમ્સનાં અધ્યક્ષા છે)નું નામ લઈને કહેવું પડ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાનો એજન્ડા ચલાવવા માગતો હોય તો તેમણે વિચારવું જોઈએ.
૨૦૨૫માં સ્થિતિ બદલાઈ. હવે વડાપ્રધાન તરીકે મોદીજીએ સંબોધન કર્યું. આ વખતે આ શિખર સંવાદનો કેન્દ્રીય વિષય હતો- આવતીકાલને બદલવી. તેમાં તેમણે ફરીથી એ જ કહ્યું જે શ્રી રામમંદિર પર ધ્વજારોહણ અંગે કહ્યું હતું. આવનારાં દસ વર્ષમાં આપણે દાસતાની માનસિકતામાંથી મુક્તિ મેળવવાની છે. (૨૦૩૫માં મેકોલે નામના અંગ્રેજે ભારતીયોને દાસ બનાવવા શિક્ષણ નીતિ સહિતની જે વ્યૂહરચના ઘડી હતી અને તે અંગે પત્ર લખ્યો હતો તેને બસ્સો વર્ષ પૂરાં થશે.) નારીઓની પ્રગતિ, અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ, બાર લાખ સુધીની આવક પર કોઈ વેરો નહીં વગેરે સરકારે લીધેલાં પગલાંની વાત કરતાં તેમણે એક શબ્દ ઉચ્ચાર્યો, ‘હિન્દુ રેટ આૅફ ગ્રાથ’.
પરંતુ આ શબ્દની કોઈ ચર્ચા થઈ નહીં. સામાન્યતઃ ‘મન કી બાત’ હોય કે ચૂંટણી સભા, કે પછી લોકસભામાં ભાષણો, વડાપ્રધાન બોલે છે તેના સમાચારો છાપતી કે બતાવતી વખતે ‘વડાપ્રધાનના કાંગ્રેસ પર પ્રહારો’ જેવા ઘસાઈને ચીંથરાં નીકળી ગયેલાં મથાળાં જ વાચકોના માથે ફટકારાતાં હોય છે. આથી વાચકો તેને વાંચવાનું કે સાંભળવાનું છોડી દે છે. આ બધું એકનું એક જ છે. પરંતુ ‘હિન્દુ રૅટ આૅફ ગ્રાથ’ની જે વાત વડાપ્રધાને કહી તે બહુ ચોંકાવનારી છે. હિન્દુ સમાજને કુખ્યાત કરનારી છે. હિન્દુ સમાજ પર કાળું ટીલું લગાવનારી છે.
આ શબ્દ એક ડાબેરી અર્થશાસ્ત્રી અને પ્રાધ્યાપક રાજકૃષ્ણના હિન્દુને ધિક્કારતા મસ્તિષ્કની ઉપજ છે. ઈ. સ. ૧૯૭૮માં આ શબ્દ તેમણે ઉપજાવી કાઢ્યો હતો. તે સમયે કુલ ઉત્પાદનનો વૃદ્ધિ દર માત્ર બેથી ત્રણ ટકા થઈ ગયો હતો. લોકો ત્રસ્ત હતા. દૂધ, ખાંડ, કેરોસીન, સિમેન્ટ, ટેલિફોન, સ્કૂટર આ બધું લેવા માટે લાઇન લગાવવી પડતી હતી. દૂધની દુકાનવાળા, રેશનની દુકાનવાળા, સિમેન્ટની દુકાનવાળા, ટેલિફાન ઍક્સ્ચેન્જ, સ્કૂટરની ઍજન્સીવાળા આ બધાની તોછડાઈ, ઉદ્દંડતા સહેવી પડતી હતી. કાળા બજારનો સામનો કરવો પડતો હતો. ઔદ્યોગિક ઉત્પાદનનો દર ધીમો હતો. આ બધી પરિસ્થિતિ માટે પ્રાધ્યાપક રાજકૃષ્ણ જેવા ડાબેરીએ આ વૃદ્ધિ દરને હિન્દુ વૃદ્ધિ દર કહીને સમગ્ર હિન્દુ સમાજને નકારાત્મક ચીતરી દીધો હતો !
ભાજપ નેતા અને સંઘ સ્વયંસેવક બલબીર પુંજે પોતાના પુસ્તક ‘નેરેટિવ કી માયાજાલ’માં આના પર સવિસ્તર લખ્યું છે. ડાબેરીઓ કાંગ્રેસના સંકેત પર આખો દોષનો ટોપલો હિન્દુઓ પર ઢોળવા માગતા હતા. બધી સમસ્યા માટે હિન્દુઓ ઉત્તરદાયી ! આર્થિક વૃદ્ધિ દર ઓછો થાય તો હિન્દુઓ ઉત્તરદાયી ! પેલી સાત પૂંછડિયા ઉંદરની વાર્તામાં જેમ ઉંદરને ખીજવે છે સાત પૂંછડિયો ઉંદર, સાત પૂંછડિયો ઉંદર અને ઉંદર એક પછી એક પૂંછડી કપાવતો જાય તેમ ડાબેરીઓએ હિન્દુઓને તેમની અનેક જ્ઞાન-વિજ્ઞાનની બાબતોરૂપી પૂંછડી કપાવી નાખી.
હિન્દે શિખા રાખે તો ગમાર ! આવું ફિલ્મોમાં બતાવાયું. પરંતુ શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણવીરસિંહ વગેરે છોકરીઓની જેમ ચોટલી રાખે તો તે ફેશન ! હિન્દુઓ તિલક કરે અને પાઘડી પહેરે તો તે કટ્ટરતા ! પરંતુ મુસ્લિમો ટોપી પહેરે તો તે તેમની મઝહબી અંગત બાબત ! હિન્દુઓ ધોતી પહેરે તો જૂના જમાનામાં જીવે છે ! મુસ્લિમો લાંબો કુર્તો અને ટૂંકો લેંઘો પહેરે તો તેમાં વાંધો નહીં ! હિન્દુ સ્ત્રીઓ કરવા ચોથ કરે તો રૂઢિવાદી ! પરંતુ મુસ્લિમ પુરુષો અને સ્ત્રીઓ રોજા રાખે તો તે તેમની બંદગી ! હિન્દુઓ જ્યોતિષમાં માને તો અંધશ્રદ્ધા, પણ ફિલ્મ કલાકારો ન્યૂમરોલાજીમાં માને તો તે તેમની અંગત માન્યતા ! જિતેન્દ્ર, રાજકુમાર વગેરે સદા સફેદ કપડાં પહેરે તો ચાલે ! વાયુ પ્રદૂષણ માટે ઔદ્યોગિક ઉત્સર્જન, વાહનોનું ઉત્સર્જન, પરાળી સળગાવવું, બાંધકામ વગેરે ઉત્તરદાયી નથી, માત્ર દિવાળી પર ફોડાતા ફટાકડા જ છે.
આયુર્વેદ તો નુસખા, અખતરા છે. પરંતુ એલોપેથી નથી. (કોરોનાની ઔષધિ હજુ પણ શોધી નથી શકાઈ. કોરોના કાળ દરમિયાન ડાલો, હાઇડ્રાક્લારોક્વીન, રેમડેસિવર ઇત્યાદિ જે કંઈ ઔષધિઓ અપાઈ તે અખતરા નહીં તો બીજું શું હતું?) શુદ્ધ હિન્દી બોલે તો તે પંડિત ! પરંતુ અંગ્રેજી બોલે તો તે આધુનિક ! ઉર્દૂ બોલે તો તે સાહિત્યિક !
મંદિરે જવાથી શું લાભ થાય છે? તેવો પ્રશ્ન કરવાનો પરંતુ મસ્જિદ અને ચર્ચ જવાથી મનને ‘સુકૂન’ અને ‘પીસ’ મળે છે.
૧૯૭૦ના દાયકામાં જનસંખ્યાના વધારાના નામે અભિયાનો ચાલ્યા. સંજય ગાંધી એક માત્ર સાહસી હતા જેમણે નસબંધીનું અભિયાન ચલાવ્યું. મુસ્લિમોમાં પણ ચલાવ્યું. જોકે તે સમય કટોકટીનો હતો અને સંજય ગાંધીએ સરમુખત્યારશાહી કરેલી તેનો વિરોધ જ હોય. સંજય ગાંધીનું બળજબરીથી નસબંધી અભિયાન ખોટી જ બાબત હતી, પરંતુ તેમણે સાહસ તો કરેલું. જોકે આ તોપને ડાબેરી ફિલ્મકારોએ હિન્દુ તરફ વાળી દીધી. દરેક ફિલ્મમાં હિન્દુ નાયક-નાયિકાનાં લગ્ન થાય એટલે હાથમાં નિરોધનું પેકેટ ભેટમાં આપેલું બતાવવાનું. આનું પરિણામ એ આવ્યું કે આજે હિન્દુ રૅટ આૅફ ગ્રાથ જનસંખ્યાની રીતે ઓછો છે અને બીજી બાજુ મુસ્લિમોનો કૂદકે ને ભૂસકે વધે છે.
વડાપ્રધાનની આર્થિક સલાહકારી પરિષદનો અહેવાલ કહે છે કે ૧૯૫૦થી ૨૦૧૫ દરમિયાન હિન્દુઓની જનસંખ્યા ૮૪ ટકાથી ઘટીને ૭૮ ટકા થઈ ગઈ જ્યારે મુસ્લિમોની જનસંખ્યા ૧૦ ટકાથી વધીને ૧૪ ટકા થઈ ગઈ. અનેક ચૂંટણી બેઠકોનું પરિણામ આજે મુસ્લિમોના હાથમાં આવી ગયું છે. એમાં પાછું બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો લટકામાં.
ફરી ૧૯૭૮ના આર્થિક વૃદ્ધિ દર પર આવીએ. પ્રાધ્યાપક રાજકૃષ્ણએ ‘હિન્દુ રૅટ આૅફ ગ્રાથ’ શબ્દ દ્વારા એવું ઠસાવવા પ્રયત્ન કર્યો કે આર્થિક પડતીનું કારણ હિન્દુઓ અને તેમની સનાતનમાં આસ્થા છે. જોકે તે પહેલાં બીજા એક ડાબેરી અર્થશાસ્ત્રીએ આ કામ કરી લીધું હતું. તેમનું નામ છે બી.પી.આર. વિઠ્ઠલ. નામમાં વિઠ્ઠલ હતું પરંતુ તેઓ માનતા હતા કે આર્થિક પડતી માટે હિન્દુઓ ઉત્તરદાયી છે. તેમણે પ્રાધ્યાપક રાજકૃષ્ણનાં પાંચ વર્ષ પહેલાં આ વાત કહી હતી. હા, તેમણે ‘હિન્દુ રૅટ આૅફ ગ્રાથ’ એ શબ્દ નહોતો પ્રયોજ્યો. તેમણે ફેબ્રુઆરી ૧૯૭૩માં ‘નજીન યનુપી’ ઉપનામથી લખેલા એક લેખમાં આર્થિક પડતી માટે હિન્દુ જીવનશૈલીને ઉત્તરદાયી ઠેરવી હતી.
બી.પી.આર. વિઠ્ઠલે જે સમયે લેખ લખ્યો ત્યારે ભારતની માથા દીઠ આવકનો વૃદ્ધિ દર એક ટકાથી ત્રણ ટકાની શ્રેણીમાં હતો. તેના માટે હિન્દુ જીવનશૈલીને ઉત્તરદાયી ઠરાવતા તેમણે લખ્યું હતું, “આ શ્રેણી માટે સંપૂર્ણ રીતે હિન્દુ જીવનશૈલીને જ ઉત્તરદાયી ઠરાવાશે.”
ઇવન, કથિત પત્રકાર રાજદીપ સરદેસાઈ, કથિત સમાજશાસ્ત્રી સમીર કોચર અને વ્યંગકાર આકાશ બેનર્જીએ ૨૦૧૯માં ધીમા આર્થિક વૃદ્ધિ દર (૪.૫ ટકા) માટે પણ આ જ શબ્દાવલિ યોજી હતી.
ખરેખર કોણ ઉત્તરદાયી હતું?
૧૯૪૭માં આપણે સ્વતંત્ર થયા. તે પહેલાં મોગલો અને અંગ્રેજોએ આપણું લોહી, ધન, સંસાધનો, કિંમતી ચીજો વગેરે ચૂસી લીધાં-છિનવી લીધાં. દુષ્કાળમાં આપણી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. એટલે આપણને સ્વતંત્રતા સમયે ખાલી ખજાનો મળ્યો હતો તે વાત સાચી પરંતુ તે પછી આપણે ઝડપથી બેઠા થઈ શકીએ તેમ હતા. શાસ્ત્રીજીના ટૂંકા સમયગાળા દરમિયાન ખેડૂતોએ હરિત ક્રાંતિ કરી ગોદામો છલકાવી દીધા, તેવું નહેરુના સમયગાળા દરમિયાન થઈ શકતું હતું. ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉદ્યોગપતિઓ જોર લગાવી દેત. પરંતુ બ્રિટનમાં ભણવા ગયા તે દરમિયાન સમાજવાદી (જે સામ્યવાદી વિચારધારાની બહેન જ હતી) વિચારધારાથી પ્રભાવિત થઈ ગયા. અને અર્થંતંત્ર માટે સમાજવાદી વિચારધારા અપનાવી.
આ ૧પ ડિસેમ્બરે જેમની પુણ્યતિથિ છે તેવા સરદાર પટેલ અને કાંગ્રેસનો મોટો વર્ગ આ વિચારધારા સાથે સંમત નહોતા, પરંતુ કરે શું ! સરદાર પટેલ ૧૯૫૦માં અવસાન પામ્યા. સી. રાજગોપાલાચારી, કનૈયાલાલ મુન્શી, મીનુ મસાણી, પીલૂ મોદી, મહારાણી ગાયત્રી દેવી વગેરેએ સ્વતંત્ર પક્ષ બનાવ્યો. તેની વિચારસરણી મૂડીવાદી હતી. નહેરુથી પ્રભાવિત અટલજીની છત્રછાયામાં જનસંઘ અને બાદમાં ભાજપની વિચારસરણી પણ ૧૯૯૮માં તે સત્તામાં ન આવ્યો ત્યાં સુધી સમાજવાદી પ્રકારની જ હતી.
૧૯૬૯માં કાંગ્રેસના બે ઊભાં ફાડિયાં થઈ ગયાં. સત્તા બચાવી રાખવા ઈન્દિરા ગાંધી સામ્યવાદીઓની સંપૂર્ણ શરણે ગયા. પિતા સમાજવાદી હતા. દીકરી તો સામ્યવાદી થઈ ગયાં. સંપૂર્ણ રાષ્ટ્રીયકરણ થયું. અનુમતિપત્ર (લાઇસન્સ) રાજ આવ્યું ! સ્મગલરો અને કાળા બજારિયાઓને બખ્ખા થઈ ગયા. અરે ! આજની પેઢી તો ઘરે બેઠા થિયેટરની ફિલ્મની ટિકિટ મેળવી લે છે તેથી તેને ખબર નહીં હોય, પરંતુ થિયેટરની બહારેય ટિકિટોનાં કાળા બજાર થતાં. એમાં પાછું અધિકારીઓનું દંડારાજ ! આજે તો ઇ.ડી. ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ પર દરોડા પાડે છે, પરંતુ ઈન્દિરા ગાંધી સમયે આવકવેરા ખાતું વેપારીઓ અને કિશોરકુમાર જેવા ફિલ્મ કલાકારો જે તેમના શરણે ન આવે તેમના પર દરોડા પાડતું.
સામ્યવાદીઓના હાથમાં મજૂર સંઘો અને કર્મચારી સંઘો હતા. છાશવારે હડતાળો સામાન્ય વાત હતી. રાજકીય પક્ષો પણ કોઈ બનાવ બને તો બંધ પળાવતા હતા. આ બધામાં કયો જણ ઉદ્યોગ-ધંધા કરવાનું સાહસ કરે? અમદાવાદમાં અંગ્રેજોના સમયથી કાપડની મિલો ધમધમતી હતી. તેને ‘ભારતનું માન્ચેસ્ટર’ કહેવાતું હતું પરંતુ સામ્યવાદી મજૂર સંઘ અને ગાંધીજી પ્રેરિત મજૂર સંઘોએ તેને બંધ કરાવી દઈ હજારો-લાખો લોકોને આજીવિકાહીન કરી દીધા. પરંતુ આર્થિક પડતી માટે ઉત્તરદાયી કોણ? હિન્દુ જીવનશૈલી અને હિન્દુઓ !
આવું જ ભાવનગરમાં થયેલું. અરે ! ત્યારે જ નહીં, થોડાં વર્ષો પહેલાંની વાત છે. ત્યાં નિરમા કંપની પ્લાન્ટ નાખવાની હતી તેનો વિરોધ કરાવી પ્લાન્ટ ન નાખવા દેવાયો. ભાવનગર જિલ્લામાં મીઠી વીરડીમાં પરમાણુ વીજ પ્લાન્ટનો પણ વિરોધ થયો હતો. આજેય ભાવનગરમાં કોઈ મોટા ઉદ્યોગધંધા નથી. ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ તરફ વાળવાના બદલે અને તેમને એ.પી.એમ.સી.થી મુક્ત કરાવવાના બદલે તેમને સરકાર પર નિર્ભર જ રખાયા. નર્મદા બંધ સરદાર પટેલનું સપનું હોવાથી તેને લટકાવી રખાયો. પરિણામે ખેડૂતોથી માંડીને ઉદ્યોગધંધાઓ પાણીથી વંચિત રહ્યા. આ કેવળ ગુજરાતની વાત નથી. ઉત્તર પ્રદેશ-બિહારને માફિયાઓના હાથમાં મત માટે સોંપી દેવાયાં. મુંબઈને હાજી મસ્તાનથી લઈને દાઉદ ઇબ્રાહિમ, વરદ રાજન, અરુણ ગવળી વગેરે ગુંડાઓને સોંપી દેવાયું. પંજાબમાં અકાલી દળનું વર્ચસ્વ તોડવા પહેલાં જર્નૈલસિંહ ભીંદરાનવાલેને ઊભો કરાયો અને પછી સુવર્ણ મંદિરમાં સેનાને મોકલી ખાલિસ્તાનની સમસ્યા વકરાવાઈ.
પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તીકરણ થવા દઈ, ત્યાં અલગતાવાદ ફેલાવવા દેવાયો. પરિણામે, ભારતમાં કેટલાંક ગણ્યાગાંઠ્યાં રાજ્યો જ સમૃદ્ધ રહ્યાં. કેટલાંક રાજ્યો ‘બીમારુ’ (બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. આજની રીતે જોઈએ તો ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ પણ તેમાં આવી ગયા) રહ્યા અને હજુ પણ છે. માર્ગ, વિમાન મથક, રેલવે વગેરેને સમાજવાદી માડલ પર ચલાવી સારું આંતરમાળખું ઊભું ન કરાયું.
લાલુ પ્રસાદ યાદવ જેવા રેલવેનું ભાડું ન વધારે પરંતુ ભંગાર વેચી-વેચી રેલવેને ખોટમાં ચલાવે તો તેમના આ માડલને આઈઆઈએમના ડાબેરી કર્તાધર્તાઓ એમબીએમાં ભણાવે અને લાલુને પોતાને અમદાવાદમાં ભણાવવા બોલાવે !
આ બધાં છતાં, ઉત્તરદાયી કોણ? હિન્દુઓ, તેમની જીવનશૈલી. અરે ! હિન્દુવિરોધીઓ, જો કેવળ મંદિરના અર્થતંત્રને જ સમજશો તો ધ્યાનમાં આવશે કે હિન્દુ જીવનશૈલી અર્થતંત્રને કેટલી આગળ વધારનારી છે. ગ્રામ્ય અર્થતંત્ર કોરોના કાળમાં પણ ભારતના અર્થતંત્રનો આધાર બની રહ્યું હતું.
હિન્દુ વિરોધના કમળાથી પીડાતા લોકો માટે ક્યારેય ‘આતંકવાદનો મઝહબ નથી હોતો’. પરંતુ બધી સમસ્યા માટે હિન્દુઓ અને તેમની આસ્થા કારણભૂત અવશ્ય હોય છે.










































