સાવરકુંડલા શહેરમાં જીએસટી વિભાગની ૧૧ જેટલી ટીમો દ્વારા મોટા પાયે દરોડા અને સર્ચ ઓપરેશન શરૂ થયું છે. આ કાર્યવાહી મુખ્ય બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારોમાં કરવામાં આવી છે જ્યાં આંગડીયા પેઢીઓ અને ફાઇનાન્સ કારોબાર કરતા વેપારીઓ જીએસટીના રડાર પર છે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની ટીમો આ સંયુક્ત કાર્યવાહીમાં સામેલ છે, જે મોડી રાત સુધી ચાલવાની ધારણા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દરોડાઓનું મુખ્ય કારણ કાંટા ઉદ્યોગ (સ્કેલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી)માં જીએસટી ચોરીની આશંકા છે. સાવરકુંડલા ખાતે કાંટા ઉદ્યોગ મોટા પાયે ચાલે છે અને તે ભારતભરમાં જાણીતો છે. જોકે, અહીંના ઉદ્યોગપતિઓ જીએસટી ન ભરતા હોવાની માહિતી મળી છે. તેઓ વ્યવહારોને સીધા આંગડીયા પેઢીઓ અથવા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા કરે છે, જેથી કર વ્યવસ્થામાંથી બચવાનો પ્રયાસ કરે છે. જીએસટી ટીમો કાંટા ઉદ્યોગના વેપારીઓના બિલો, રેકોડ્ર્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે, જેમાં અનિયમિતતાઓની શક્યતા તપાસાઈ રહી છે. આ કાર્યવાહી જીએસટી વિભાગના ચાલુ અભિયાનનો ભાગ છે, જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજળીની વસ્તુઓ, રમકડાં, ફરસાણ અને ઓટો પાટ્ર્સ વેપારીઓ પર પણ દરોડા થયા હતા. સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ સંઘે તાજેતરમાં જ સરકારી જટિલ નિયમો અને ચાઈનીઝ આયાત વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો, જે આ દરોડાઓને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ તપાસથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી ઝડપાય તેવી શક્યતા રહેલી છે.









































