ચૂંટણીના સમયમાં પુષ્કળ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે દારુનો ઉપયોગ થતો હોય છે. ભૂતકાળમાં ચૂંટણીના સમય દરમિયાન પણ કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે. ત્યારે મંગળવારે રાત્રે પણ પોલીસે ચૂંટણી લડતા એક ઉમેદવાર સહિત કેટલાક બુટલેગરો પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ પછી બુધવારે પણ પોલીસે વધુ એક વખત બુટલેગરોના ઠેકાણા પર રેડ કરીને જુનાગઢ અને માંગરોળ વિસ્તારમાંથી ૩૭ લાખ ૪૮ હજાર કરતાં વધારેના વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેરોને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરના મનસુબા પર પાણી ફેરવવાની શરૂઆત કરી છે. મંગળવારે રાત્રે પણ જુનાગઢ પોલીસે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક બુટલેગરોનો ૧૦ લાખ કરતા વધારેની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં પકડેલ એક બુટલેગર રાજકીય પાર્ટીની ટિકિટ પરથી તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી રહ્યો હતો. તેની વચ્ચે બુધવારે જુનાગઢ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. જુનાગઢ તાલુકાના ઈવનગર અને માંગરોળના મકતુપુર બંદર નજીકથી ૩૭ લાખ ૪૮ હજારના વિદેશી દારૂને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમી મળી હતી કે જૂનાગઢ તાલુકાના એક ખેતરના કાચા રસ્તા પર વિદેશી દારૂની કટીંગ થઈ રહ્યું છે. આથી પોલીસે અહીં તપાસ કરતા મગફળીના ચારાના ભૂકામાં છુપાવવામાં આવેલી ૩૮૭૬ જેટલી દારૂની બોટલ કે જેની બજાર કિંમત ૧૦,૦૭,૭૬૦ થવા જાય છે તે મળીને કુલ ૧૩,૨૭,૭૬૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂ ગાંધીગ્રામના મયુર ભારાઈ અરજણ, વંશ રામા મોરી, કિરીટ છેલ્લાણા અને આલા રાડાનો હોવાની વિગતો પોલીસને પ્રાપ્ત થઈ છે. જે ખેતર માંથી દારૂ પકડાયો છે તે લાખા ગરચરની વાડી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે દારૂ સાથે એક પીકઅપ વાન અને છકડો રીક્ષાને પણ પકડી પાડી છે. તો ખેતરમાં હાજર રહેલા મયુર રબારીને પોલીસે ઘટના સ્થળેથી રંગે હાથ પકડી પાડીને તેની પુછપરછ શરૂ કરી છે.
જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમી મળી હતી કે, માંગરોળથી મકતુપુર બંદર જવાના માર્ગ પર સ્મશાન પાસે પર પ્રાંતિય દારૂનું કટીંગ થવા જઈ રહ્યું છે. આવી ચોક્કસ બાતમીને આધારે તપાસ કરતા અહીંથી ૭૪૮૮ બોટલીએ દારૂની મળી આવી હતી. જેની બજાર કિંમત ૧૬,૨૦,૨૪૦ અને કુલ મુદ્દા માલ ૨૪,૨૦,૨૪૦ નો પકડી પાડીને શેરીયાજ ગામના બુટલેગર નારણ ખાંભલા વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરીને તેને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળેથી એક પીકઅપ વાન પણ પકડી પાડીને સમગ્ર મુદ્દામાલ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન હસ્તક મોકલી આપ્યો છે.
Home રસધાર રાજકીય રસધાર ચૂંટણી પહેલા દારૂની રેલમછેલ રોકવા પોલીસ એક્શનમાં, જુનાગઢમાં ૩૭ લાખથી વધુનો વિદેશી...











































