અમદાવાદ સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને વિવિધ સ્તરે રસપ્રદ જંગ જામવાનો છે.
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ ૬૫૨ ઉમેદવારો મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. શહેરના વાસણા અને થલતેજ વોર્ડમાં એક-એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેના કારણે અહીંના પરિણામો અગાઉથી નક્કી થઈ ગયા છે.
અમદાવાદ જિલ્લા પંચાયત માટે પણ ચૂંટણીમાં રસપ્રદ સ્પર્ધા જાવા મળશે. અહીં ૨૦ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે કુલ ૯૭ ઉમેદવાર વચ્ચે જંગ જામશે. કાસીન્દ્રા બેઠક બિનહરીફ જાહેર થતાં એક બેઠક પર સીધી જીત નિશ્ચિત બની ગઈ છે.જિલ્લાની નગરપાલિકાઓમાં પણ મોટા પ્રમાણમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા છે. કુલ ૫૦ ઉમેદવારોએ નામ પાછું ખેંચતાં હવે અનેક બેઠકો પર સીધી ટક્કર જાવા મળશે. ૨૪ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વિરમગામમાં ૧૩ અને ધોળકામાં ૧૧ બેઠકોનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયત ચૂંટણીમાં ૩૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હાલ ૪૪૭ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. અહીં ૧૧ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ રીતે, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે અમદાવાદ અને જિલ્લામાં વિવિધ સ્તરે ચૂંટણીની તસવીર સ્પષ્ટ બની ગઈ છે. અનેક બેઠકો પર સીધી ટક્કર અને કેટલીક જગ્યાએ બિનહરીફ જીત સાથે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.