ગોંડલમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક આધેડ વ્યક્તિ પોતાના નિવાસસ્થાને લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના ભોજરાજપરામાં રહેતા હિતેન્દ્રભાઈ બી. પારેખ (ઉંમર વર્ષ આશરે ૫૫) એકલવાયું જીવન જીવતા હતા. આજે સવારે જ્યારે મનોજભાઈ ધીણોજા નામના વ્યક્તિ હિતેન્દ્રભાઈ પાસેથી ફાકીના પાર્સલ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, ત્યારે વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આ દરમિયાન મનોજભાઈની નજર ફળીયામાં પડેલા લોહીના ડાઘ પર પડતા તેઓ ચોંકી ઉઠ્‌યા હતા અને તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જતા જ હિતેન્દ્રભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા, જેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી.