ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના માઢવાડ ગામે થયેલી રૂ.૪ લાખની રોકડની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં ફરિયાદીનો વિશ્વાસુ બોલેરો ડ્રાઈવર જ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે.ગત ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ માઢવાડના ડીઝલ પંપ પર એક બોટ માલિક પોતાની મોટરસાયકલની ડેકીમાં રૂ.૪,૦૦,૦૦૦ રોકડા લઈને ડીઝલ લેવા ગયા હતા. ફરિયાદી જ્યારે પંપ પર ઓફિસમાં બેઠા હતા, ત્યારે તેમની સાથે આવેલ ડ્રાઈવર ઇરફાન મન્સુરીએ અંધારાનો લાભ લઈ ડેકીમાંથી રકમની ચોરી કરી હતી અને પૈસા નજીકની ઝાડીઓમાં છુપાવી દીધા હતા. કોડીનાર પોલીસે સીસીટીવી ફૂટેજ અને શંકાના આધારે ડ્રાઈવર ઇરફાનની સઘન પૂછપરછ કરી હતી. આરોપીએ ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની નિશાનદેહી પરથી પૂરેપૂરી રકમ રિકવર કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.