શહેરના અમરાઈવાડીમાં સંબંધોને લાંછન લગાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમ બનેવીએ પોતાની સગીર વયની સાળી પર નજર બગાડી તેના પર હવસ સંતોષી છે. વારંવાર દુષ્કર્મ આચરી જીજાએ સગીરા સાળી ગર્ભવતી બનાવી દીધી હતી, જાકે સમય પહેલા બાળકનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે, ત્યારે સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, આરોપી બનેવી તેની સાળીના ઘરે અવારનવાર જતો હતો. જ્યારે સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હોય, ત્યારે આ નરાધમ તેનો ફાયદો ઉઠાવી સગીરાને ધમકી આપી તેની પર દુષ્કર્મ ગુજારતો હતો. પોતાની હવસ સંતોષવા માટે આરોપી બનેવીએ ડર બતાવીને સગીરા સાળીનું મોઢું બંધ રાખ્યું હતું, જેના કારણે આ તેની આ કાળી કરતૂતો લાંબા સમય સુધી સામે આવી નહોતી.
જાકે બાદમાં સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં નરાધમ જીજાના પાપનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાના ગભરાયેલા પરિવારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. ત્યાં તબીબી તપાસ દરમિયાન તબીબોએ જણાવ્યું કે, સગીરા ગર્ભવતી છે, જે સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટસ્ફોટ થતા જ પરિવારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો.
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તે બાળકનો જન્મ નિર્ધારિત સમય કરતાં વહેલો થયો હોવાથી તેનું કમનસીબ મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાએ પીડિતા સગીરા સાળીની માનસિક અને શારીરિક હાલતને વધુ કફોડી બનાવી દીધી છે. પોલીસ દ્વારા આ મામલે સઘન પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.
અમરાઈવાડી પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી બનેવી વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે અને પીડિતાને ન્યાય અપાવવા માટે આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે










































