રાજ્ય સરકાર દ્વારા જીએસઆરટીસીની કામગીરી વધુ સારી બનાવવા માટે અનેક જિલ્લાઓના બસ સ્ટેશનમાં વર્કશોપ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાના બે બસ સ્ટેશનમાં નવા વર્કશોપ બનાવવા માટે મંજૂરી મળતા આગામી ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અદ્યતન વર્કશોપ બનાવવામાં આવશે. એસ.ટી.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે અદ્યતત વર્કશોપ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં બગસરામાં રૂ.પ કરોડથી વધુના ખર્ચે અને ધારી ખાતે રૂ.પ,૩૪,૭૭,૮રરના ખર્ચે વર્કશોપ બનાવવામાં આવશે. જેની સમયમર્યાદા ૧પ માસ રહેશે. અદ્યતન વર્કશોપમાં ડેપો મેનેજરની ઓફિસ, વહીવટી ઓફિસ, સ્ટોરરૂમ, એડમીનરૂમ, બેટરીરૂમ, ઓઈલરૂમ, વર્કશોપના કર્મચારીઓ માટે રેસ્ટરૂમ, શૌચાલય, મેન્ટેનન્સ માટે આખો ફ્લોર, વોશિંગ ફ્લોર સહિતની સુવિધા નવા વર્કશોપમાં ઉપલબ્ધ થશે. આમ, બગસરા અને ધારી ડેપો ખાતે અદ્યતન વર્કશોપ બનાવવાને મંજૂરી મળતા આવનારા સમયમાં વર્કશોપની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં ડેપો નવા બન્યા બાદ વર્કશોપની હાલત ખખડધજ હતી જેથી વર્કશોપ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે રાજય સરકાર દ્વારા વર્કશોપ બનાવવા માટે મંજૂરી મળતા કર્મચારીઓને પણ રાહત થશે.