અમદાવાદ શહેરની એલ.સી.બી. ઝોન ૭ની ટીમે મોટી સફળતા મેળવતા સરખેજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને પ્રોહિબિશનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અગાઉ ત્રણ-ત્રણ વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલા અને ૨૧ જેટલી ઘરફોડ ચોરીઓ તેમજ બે પ્રોહિબિશનના ગુના આચરનાર રીઢા ગુનેગારને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પોલીસે પકડેલા આ રીઢા ચોરના ચોરી કરતી વખતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
એલ.સી.બી. ઝોન ૭ની ટીમે ચોક્કસ બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે રહેતા દિવ્યાંગ ઉર્ફે દિવેશ બળવંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૩૮) નામના શખ્સની અટકાયત કરી હતી. તેની કડક પૂછપરછ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા ૯ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં શાહીબાગ વિસ્તારમાં રહેતો તેનો સાગરીત હિતેન્દ્ર ઉર્ફે ટશન સિંધોલિયા હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ઝડપાયેલો આરોપી અગાઉ ૩ વખત પાસા હેઠળ જેલની સજા ભોગવી ચૂક્યો છે. તેની સામે અમદાવાદ શહેરના ઓઢવ, સરદાર નગર, સોલા હાઈકોર્ટ, કૃષ્ણનગર, બોડકદેવ, નરોડા, બાપુનગર, ઘાટલોડીયા, ચાંદખેડા, વસ્ત્રપુર, નિકોલ, આનંદનગર તેમજ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત ગાંધીનગર સેક્ટર-૧ અને અરવલ્લીના મોડાસા રૂરલમાં પણ તેની સામે કાયદાકીય કાનૂની કાર્યવાહી થયેલી છે.
આ રીઢો ગુનેગાર બંધ મકાનોને લક્ષ્ય બનાવીને ઘરફોડ ચોરીઓ આચરવાની સાથે દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો.એલસીબી ઝોન ૭ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ ચોરીઓના ભેદ ઉકેલવા કાયદાકીય તપાસ લંબાવવામાં આવી છે.









































