સાવરકુંડલા શહેરમાં સદ્ભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ થીમની અદભૂત રજૂઆત કરવામાં આવી છે. આ થીમમાં ધર્મ, ભક્તિ અને દેશભક્તિનો અનોખો સમન્વય જોવા મળે છે, જેણે હજારો શહેરીજનોનું ધ્યાન ખેંચ્યું છે. આ ભવ્ય આયોજનમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ડીડીઓ પરિમલ પંડ્યા અને એસ.પી. સંજય ખરાતે ગણપતિ બાપ્પાની વિધિવત્ આરતી ઉતારી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આ અનોખી થીમની પ્રશંસા કરીને સદ્ભાવના ગ્રુપને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રસંગે ગણેશ પંડાલના આયોજન માટે રૂ. ૧,૧૧,૦૦૦/- નું દાન જાહેર કર્યું હતું. એસ.પી. સંજય ખરાતે પણ આ થીમની સરાહના કરીને શહેરમાં શાંતિ અને સદ્ભાવના જાળવવાના પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.









































