કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. કોંગ્રેસે કચ્છ-સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી વરસાદ ન પડતાં ખેતી અને પશુપાલન પર ગંભીર અસર થઈ છે.
કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસાથે આશરે ૫૦ જેટલી જગ્યાએ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેતરોમાં સુકાઈ ગયેલા પાક અને ખેતપેદાશો યજ્ઞમાં હોમીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમને ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. પક્ષનું કહેવું છે કે વરસાદની અછતને કારણે ખેડૂતો સામે ગંભીર સંકટ ઊભું થયું છે.
કોંગ્રેસના જણાવ્યા મુજબ દ્વારકા જિલ્લામાં ૮૮ ટકા, પોરબંદરમાં ૭૨ ટકા અને કચ્છમાં આશરે ૬૦ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ વરસાદની અછતને કારણે પાકને નુકસાન થવાની સાથે પશુપાલન ક્ષેત્ર પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસે સરકારને તાત્કાલિક રાહત પગલાં ભરવાની માગ કરી છે.વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ મુદ્દે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા કરવા માટે નોટિસ પાઠવી છે. તેમણે નિયમ ૧૧૬ હેઠળ નોટિસ આપીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે.કોંગ્રેસે ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માગ કરી છે. સાથે જ ‘સૌની યોજના’ મારફતે ખાલી પડેલા ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરો માટે ગામડાંઓમાં તાત્કાલિક રાહત કામો શરૂ કરવાની પણ માગ કરવામાં આવી છે.