વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. શહેરના નીચાણવાળા અને અનેક મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ચારેય તરફ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આશંકા અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવતીકાલે, ૧ ઓગસ્ટના રોજ પણ શહેર અને જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ (સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલો અને કોલેજા) માં રજા જાહેર કરવામાં આવી છે. રેડ એલર્ટ દરમિયાન વિદ્યાર્થીઓને શાળા-કોલેજે આવવા-જવામાં કોઈ અણબનાવ ન બને અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરના આ આદેશનું તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જા કોઈ પણ શાળા કે કોલેજ આ જાહેરનામાનો અનાદર કરીને સંસ્થા ખુલ્લી રાખશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા ની સંબંધિત કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.ધોધમાર વરસાદના કારણે વડોદરાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.