અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસ્યા બાદ ચાંદખેડા-એસપી રીંગ પર દીપડો દેખાયો હતો. ત્યારબાદ ભારે વરસાદ પડ્યો હતો. હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાઓએ જાર પકડ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા હાઈવે પર આવેલા એક કેફે નજીક દીપડાના પંજાના નિશાન જાવા મળ્યા હોવાની વાતો વહેતી થતાં સ્થાનિકો અને રાહદારીઓમાં આશ્ચર્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક વિસ્તારમાં પંજાના નિશાન દેખાતાં જ તાત્કાલિક અસરથી સમગ્ર ઘટના અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાકે, આ પંજાના નિશાન ખરેખર દીપડાના જ છે કે અન્ય કોઈ પ્રાણીના, તે અંગે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટી (સ્પષ્ટતા) કરવામાં આવી નથી. વન વિભાગના અધિકારીઓ દ્વારા પંજાના નિશાનના સેમ્પલ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
એસ જી હાઈવે જેવા સતત ધમધમતા અને પોશ વિસ્તારમાં દીપડા જેવા વન્યજીવની હાજરીની આશંકા માત્રથી જ લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. વન વિભાગનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આખરી સત્ય સામે આવશે.