છોટાઉદેપુરના રાજકારણમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીનું સભ્યપદ જિલ્લા કલેક્ટરે રદ કરી દીધું છે. વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિએ જાતિ પ્રમાણપત્રની તપાસ બાદ તેને અમાન્ય જાહેર કરતાં કલેક્ટરે કાર્યવાહી કરી છે. હવે પ્રમુખપદ પણ ખાલી થતાં વોર્ડ નંબર-૪માં કોણ ચૂંટાશે અને નગરપાલિકાનો નવો પ્રમુખ કોણ બનશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
છોટાઉદેપુર નગરપાલિકાની દોઢ વર્ષ અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ત્યારબાદ અન્ય પક્ષોના સભ્યોને ભાજપમાં સામેલ કરીને ભાજપે અનુસૂચિત જનજાતિ માટે અનામત પ્રમુખપદ પર વોર્ડ નંબર-૪માંથી ચૂંટાયેલા મંજુલાબેન કિશનભાઈ કોલીની પસંદગી કરી હતી. તેઓ મામલતદારમાંથી પ્રમાણપત્ર મેળવી ચૂંટણી લડ્યા અને જીતીને પ્રમુખ પણ બન્યા. પરંતુ તેમના જાતિ પ્રમાણપત્ર અંગે નગરના વિજયભાઈ નાયકાએ વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિ સમક્ષ અરજી કરતાં સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
વિભાગીય વિશ્લેષણ સમિતિએ જરૂરી દસ્તાવેજા અને પુરાવાઓની તટસ્થ તપાસ કર્યા બાદ મંજુલાબેન કિશનભાઈ કોલીનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે કાયદાકીય કાર્યવાહી કરતાં તેમનું નગરપાલિકાના સભ્ય તરીકેનું સભ્યપદ રદ કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય બાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે અને હવે પ્રમુખપદ પણ ખાલી થઈ ગયું છે.
આ કેસમાં અરજદાર વિજયભાઈ નાયકાએ શરૂઆતથી જ કાનૂની લડત ચાલુ રાખી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ આ નિર્ણયને આવકારતા સવાલ ઉઠાવ્યો છે કે જો જાતિ પ્રમાણપત્ર ખોટું હતું તો તેને સાબિત કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો? સાથે જ કોંગ્રેસે માંગ કરી છે કે આવા જ ખોટા પ્રમાણપત્રોના આધારે ચૂંટાયેલા અન્ય પ્રતિનિધિઓની પણ તપાસ થવી જોઈએ. હવે વોર્ડ નંબર-૪ની બેઠક પર કોણ ચૂંટાશે અને નગરપાલિકાનો આગામી પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર છે.
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનું સભ્યપદ રદ થતાં જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે. હવે આગામી દિવસોમાં પેટાચૂંટણી અને નવા પ્રમુખની પસંદગી કેવી રીતે થાય છે તેના પર સૌની નજર રહેશે.







































