વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ૩૦ જુલાઈએ મતદાન યોજાશે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રે મતદાન પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ હોવાથી મતદાનને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે.માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ ૨,૧૯,૪૯૪ નોંધાયેલા મતદારો માટે ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ મતદાન ૩૦ જુલાઈએ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે, જ્યારે મતગણતરી ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે.આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઇલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. મતદાન મથકમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મતદારોને સુવિધા મળે તે માટે મોબાઇલ સુરક્ષિત રીતે જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા મુજબ આ નવી પહેલ મતદારોને સરળ અને સુવ્યવસ્થિત મતદાનનો અનુભવ કરાવશે.
ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. જ્યાં જરૂર છે ત્યાં રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને પાણી ભરાય તેવી સ્થિતિમાં ડી-વોટરિંગ પંપ સાથેની ક્્યુ-ટીમ તહેનાત રાખવામાં આવી છે. મતદારોને વરસાદના કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક સંભવિત વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રે જણાવ્યું છે.મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખવા માટે તમામ મતદાન મથકો પર ૧૦૦ ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તેનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. સુરક્ષા માટે ૧,૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.માંજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલે આ બેઠક પર સતત મોટી લીડ સાથે જીત નોંધાવી હતી. આ વખતે પણ ભાજપ તે પરંપરા જાળવી રાખવાના પ્રયાસમાં છે. ઉમેદવારીને લઈને સ્થાનિક સ્તરે અસંતોષ જાવા મળતા ભાજપના કેન્દ્રીય અને રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓએ પ્રચાર અને સમાજ આધારિત બેઠકો યોજીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.૮૫ વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જેથી દરેક મતદારને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી શકે.








































