મહેસાણા મહાનગરપાલિકામાં હાથલારીઓની ખરીદી મામલે કૌભાંડનાં આક્ષેપો સામે આવ્યા છે. વહીવટદાર શાસન દરમિયાન કરવામાં આવેલી હાથલારીઓની ખરીદીમાં પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે. આરોપ છે કે હાથલારીઓની ખરીદી પહેલાં યોગ્ય મંજૂરી અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી.
માહિતી મુજબ, હાથલારીઓ ખરીદી લેવામાં આવ્યા બાદ હવે તેના ભાવ નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ખરીદી પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ ખરીદાયેલી નવી હાથલારીઓનો હજુ સુધી ઉપયોગ શરૂ થયો નથી અને તે લાંબા સમયથી ખુલ્લામાં પડેલી હોવાથી ધૂળ ખાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નવી હાથલારીઓ લાંબા સમય સુધી બિનઉપયોગી રહેતાં તેમાં કાટ લાગવા લાગ્યો છે. અગાઉની જૂની હાથલારીઓની સાથે નવી હાથલારીઓ પણ બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૫૦ હાથલારીઓ પ્રતિ લારી અંદાજે ૬,૫૦૦ના ભાવે ખરીદવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન એટલી જ સંખ્યાની ૨૫૦ હાથલારીઓ પ્રતિ લારી ૧૦,૨૦૦ના ભાવે ખરીદવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને ખરીદી વચ્ચેના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં પણ અનેક સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર મામલે મહેસાણા મહાનગરપાલિકાની ખરીદી પ્રક્રિયા, મંજૂરીની સમયરેખા અને ભાવ નક્કી કરવાની પદ્ધતિ અંગે સ્પષ્ટતા થાય તેવી માંગ ઉઠી રહી છે. જોકે આક્ષેપોને લઈને મનપા તરફથી સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવે તે બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.








































