વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા મહેરબાન બની રહ્યા છે. ખેતી ક્ષેત્રમાં કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને પાણીની જરૂરિયાત હોવાથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, બીજી તરફ અચાનક અને ધોધમાર વરસાદને કારણે કેટલાક ખેડૂતો માટે મુશ્કેલી પણ ઊભી થઈ છે. વડિયા વિસ્તારમાં રવિવારે બપોરે આશરે એક વાગ્યાના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ અનેક ખેડૂતોએ આગોતરી મગફળી ઉપાડી લીધી છે, પરંતુ આ વર્ષે અપેક્ષા કરતાં નબળું ઉત્પાદન થવાની સ્થિતિ વચ્ચે અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પાડવામાં આવ્યા હતા, ત્યારે વરસાદ ખાબકતાં આ પાથરા પલળી ગયા હતા. જેના કારણે મગફળીની સાથે ચારા અને અન્ય ખેતી સામગ્રીને પણ નુકસાન થતું જોવા મળ્યું હતું.
ખાસ કરીને વડિયાના ઢોળવા રોડ આસપાસના વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં એકાએક ભારે વરસાદ પડતાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. વરસાદી પાણી સાથે પાથરા તણાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહેનત કરીને તૈયાર કરેલા પાકને બચાવવા માટે ખેડૂતોએ દોડધામ કરી હતી, પરંતુ પાણીના ભારે પ્રવાહ સામે તેમની મહેનત નિષ્ફળ જતી જોવા મળી હતી.
એક તરફ વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા ઉભા પાકોને જરૂરી પાણી મળતાં ખેડૂતોમાં રાહત અને ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ આગોતરી મગફળી ઉપાડી ચૂકેલા ખેડૂતોને વરસાદના કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખાસ કરીને ખેતરમાં પાથરા સ્વરૂપે રાખેલી મગફળી પલળી જવાથી તેની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર પણ અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વડિયા પંથકમાં હાલ વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, પરંતુ અચાનક પડેલા ધોધમાર વરસાદે કેટલાક ખેડૂતોની તૈયાર ઉપજને નુકસાન પહોંચાડતાં તેમના મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.