વડિયા તાલુકાના અરજણસુખ ગામ આસપાસ સિંહણે એક બાદ એક પાંચ લોકો પર હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંહણના હુમલામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમો દ્વારા રાત્રિથી જ સિંહણને શોધવા અને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે રાત્રે ૧ વાગ્યાથી શરૂ થયેલી કામગીરી બાદ આજે બપોરે એક વાગ્યાની આસપાસ સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરી પાંજરે પૂરવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, તા.૧ ઓક્ટોબરની રાત્રે આશરે પોણા બાર વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અરજણસુખ ગામે પાંચમનો પ્રસંગ પૂર્ણ કરીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ ગામથી અરજણસુખ પાટિયા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે બંને પર હુમલો કર્યો હતો. હુમલાના પગલે બાઇક પડી ગઈ હતી. જેમાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજા પહોંચી હતી. બંનેને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વહેલી સવારે અરજણસુખની સીમ વિસ્તારમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વન વિભાગના ગાર્ડ અનિરુધ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરતાં દોડધામ મચી હતી. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સ્કેનિંગ હાથ ધરાયું હતું. છઝ્રહ્લ રાજન જાદવ સહિત વન વિભાગની છ થી સાત ટીમો રાતથી જ સિંહણનું લોકેશન મેળવવા માટે કામગીરીમાં લાગી હતી. સિંહણની આ પ્રકારની વર્તણૂકને પગલે તેને હડકવા સહિતની કોઈ બીમારી હોવાની વન વિભાગને આશંકા છે. હવે એનિમલ ડોક્ટર દ્વારા સિંહણની આરોગ્ય તપાસ કરવામાં આવશે અને હુમલાનું કારણ જાણવા માટે જરૂરી તપાસ હાથ ધરાશે. શેત્રુંજી ડિવિઝનના છઝ્રહ્લ રાજન જાદવે જણાવ્યું હતું કે, ગત રાત્રે બે મોટરસાયકલ સવાર પર સિંહણે હુમલો કર્યો હતો, જેમાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ વન વિભાગની ટીમો દ્વારા સતત સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. આજે સવારે વધુ બે લોકો તથા વન વિભાગના એક કર્મચારીને સિંહણે સામાન્ય ઈજા કરી હોવાની માહિતી મળી હતી. સિંહણનું લોકેશન મેળવી તેને પકડવામાં સફળતા મળી છે. સિંહણને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અરજણસુખ ગામના સરપંચ કાળુભાઈએ જણાવ્યું હતું કે, ૨૪ કલાકથી ગ્રામજનો ભયના માહોલમાં હતા. સિંહણ પાંજરે પૂરાતા હવે ભયનો માહોલ દૂર થયો છે અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.