લીલીયા શહેરમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત કરોડોના ખર્ચે હાઉસ કનેક્શનની કામગીરી ચાલી રહી છે. જોકે, તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન રસ્તાઓ આડેધડ ખોદીને સમયસર મરામત ન કરાતા સ્થાનિકો પરેશાન છે. આ દરમિયાન કીકાણી પ્લોટ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક બાલુભાઈ કીકાણીની તબિયત બગડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ઘર પાસે જ યોજનાના ખાડામાં ૧૦૮ ફસાઈ ગઈ હતી, જેના લીધે દર્દી ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે બીજી ૧૦૮ બોલાવીને દર્દીને હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા. બાદમાં સ્થાનિકોએ ટ્રેક્ટર અને દોરડાની મદદથી એમ્બ્યુલન્સ બહાર કાઢી હતી. તંત્રની આ કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



































