સુરતના ઉધના વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાની શિવ નગર સોસાયટીમાં રહેતો રાણા પરિવાર જ્યારે દ્વારકા દર્શને ગયો હતો, ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતા પર હાથ સાફ કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે
મળતી માહિતી મુજબ, ગત ૧૩મી જૂલાઈના રોજ ફરિયાદી ભારતીબેન રાણા તેમનો આખો પરિવાર અને અન્ય સંબંધીઓ સાથે દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર દ્વારકા હતો તે દરમિયાન સુરતમાં રહેતા એક સંબંધીનો તેમના પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના મકાનનું તાળું તૂટેલું છે. આ સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખો પરિવાર તાત્કાલિક દ્વારકાથી સુરત પરત ફર્યો હતો.
ઘરની પરિસ્થિતિ જોઈને ફરિયાદી ભારતીબેન રાણા અને તેમનો આખો પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. ભારતીબેને રડતા-રડતા પોલીસ અને ભગવાન પાસે તેમનો ચોરી થયેલો સામાન પાછો મળી જાય તેવી આશા વ્યક્ત કરી હતી.પરિવારના જણાવ્યા અનુસાર, તસ્કરો સોનાના ૧૫ બિસ્કીટ, ચેન, બુટ્ટી અને ૧.૬૫ લાખની રોકડ સહિત ૩૦ લાખથી વધુની મતા ચોરી ગયા છે. જાકે, પોલીસે સોનાના જૂના ભાવ ગણીને ચોપડે માત્ર ૭.૪૧ લાખની ચોરી દર્શાવી હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જ્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે મધરાત્રે બે શખ્સો બાઈક પર આવતા જાવા મળ્યા હતા. ઓળખ છુપાવવા માટે આ તસ્કરોએ બાઈક પર રેઇનકોટ પહેરેલો હતો. સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે રેઇનકોટધારી બંને શખ્સોને પકડવા અને મુદ્દામાલ રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.









































