જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ત્રણના સામાન્ય બેઠક પરથી ચૂંટાઈ આવેલા કોર્પોરેટર અબ્બાસ કુરેશી પાછલા ત્રણ મહિનાથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પણ મિટિંગમાં હાજર ન રહેતા જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે યુપીએમસી એક્ટ અંતર્ગત કોર્પોરેટર અબ્બાસ કુરેશીને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. કોર્પોરેટરને પદ પરથી દૂર કર્યાની જાણ કોર્પોરેટરના નિવાસ સ્થાન અને મેયર કાર્યાલયને પણ કરવામાં આવી છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે વોર્ડ નંબર ત્રણની સામાન્ય બેઠક પરથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવેલા અબ્બાસ કુરેશીને પદ પરથી ગેરલાયક ઠેરવ્યા છે. પાછલા ત્રણ મહિનાથી કોર્પોરેટર અબ્બાસ કુરેશી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક પણ મીટીંગ કે બેઠકમાં હાજર રહ્યા નથી. જેને લઇને કમિશનર તેજસ પરમાર દ્વારા યુપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૧૧ અને ૧૫ અન્વયે કોર્પોરેટર અબ્બાશ કુરેશીનું સભ્યપદ રદ કરવાની જાણ તેમના નિવાસ્થાન અને મેયર કાર્યાલયને કરી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૬૦ બેઠકો પૈકી હવે વોર્ડ નંબર ત્રણની એક બેઠક આજથી ખાલી પડી છે.
વોર્ડ નંબર ત્રણના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી પર ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ તેની સાથે ગેમ્બલર ગેંગના અન્ય પાંચ આરોપીને પણ જૂનાગઢ પોલીસે પકડી પાડ્યા છે. જેમાં કોર્પોરેટર અબ્બાસ કુરેશી પર ૧૨ જેટલા અપરાધો નોંધાયેલા છે. આ ગેંગના તમામ સભ્યોની જૂનાગઢ પોલીસે ૨૧મી જાન્યુઆરીના દિવસે અટકાયત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ તમામ આરોપીઓ કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત જૂનાગઢ જિલ્લા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી કોર્પોરેટર અબ્બાસ કુરેશી જૂનાગઢ બનવાની એક પણ બેઠક કે જનરલ બોર્ડમાં હાજર રહ્યા નથી. જેથી કમિશનર તેજસ પરમારે અબ્બાસ કુરેશીનું સભ્યપદ રદ કરતો હુકમ કર્યો છે.










































