રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. બાગાયત વિભાગની બાગાયતી પાકોમાં મશીનરી ખરીદીમાં સબસિડીની યોજનાના લાભ થકી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત રાણાભાઈ હડિયા આત્મનિર્ભર બન્યા છે. અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાણાભાઇ હડિયાએ ખેતીક્ષેત્રે નવો ચીલો ચાતરીને સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી દ્વારા હળદરની ખેતી કરી ખેડૂત રાણાભાઈએ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. લીલી હળદરની ખેતી કરતા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના ખેડૂત રાણાભાઈ હડિયાએ ફક્ત ખેત ઉત્પાદન પૂરતી તેમની કામગીરીઓને સીમિત ન રાખી, જાતે જ શેલમ હળદર દળવાની શરુઆત કરી છે. શેલમ હળદરની ખેતી અને તેને દળવા સહિતની સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલીના ખેડૂતની આ સફળતા સૌ માટે પ્રેરણાદાયક છે.
પોતાની સફળતા વર્ણવતા રાણાભાઈ હડિયા જણાવે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી લીલી હળદરની ખેતી કરુ છુ, મારે મુખ્ય ખેતીકામ કેળના બગીચા સંબંધિત છે, જો કે, મને પ્રગતિશીલ ખેતીમાં રસ હોવાથી હું અવનવી ખેતી વિશે માહિતી મેળવતો રહી ખેતી વિષયક અવનવી બાબતોમાં હું પોતાને અવગત રાખુ છુ. આ દરમિયાન મને રામોદમાં લીલી હળદરની ખેતી કરતા ખેડૂત રાજુભાઈ નાથાણી પાસેથી હળદરની આ ખેતી વિશે જાણવા મળ્યું. તેમનો અભિપ્રાય લીધા બાદ લીલી હળદરની ખેતી કરતા અન્ય ખેડૂતોને પણ હું મળ્યો હતો ત્યારબાદ મેં લીલી હળદરની ખેતી શરુ કરી હતી. શરુઆતમાં હળદર દળાવવા માટે હું સાવરકુંડલા ખાતે જતો હતો પરંતુ તેમાં કિંમત, મજૂરી સહિતની ખરાજાત વધી જતાં આર્થિક રીતે તે સ્થિતિ અનુકૂળ આવે તેમ નહોતી.
રાસાયણિક ખાતરના ઉપયોગ વિના રાણાભાઈ હડિયા સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં તેઓ, જીવામૃત સહિતનો ઉપયોગ કરે છે. રાણાભાઈએ સરકારની યોજના થકી મળેલી સફળતા વિશે વાત કરતા ઉમેર્યુ કે, આ બધી કામગીરી અને વિવિધ માહિતી મેળવતા મને બાગાયત વિભાગની યોજના વિશે જાણવા મળ્યુ. મેં હળદર દળવા માટે પલ્વરાઈઝરની ખરીદી માટે સબસિડી મેળવવા માટે બાગાયત વિભાગની નિયત અરજી આપી હતી. બજારમાં આ પલ્વરાઈઝરની કિંમત રુ.૯૨ હજાર છે, પલ્વરાઈઝરની ખરીદી માટે મને બાગાયત વિભાગ દ્વારા ૭૫ ટકા સબસિડી એટલે કે રુ.૭૦ હજારની સહાય મળી છે.
આ મશીનના ઉપયોગ થકી અમે જાતે જ હળદર દળીને વેચાણ પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ. ગત વર્ષે મેં આશરે ૧૫૦ મણ હળદરનું વેચાણ કર્યુ હતુ. ઓર્ગેનિક હળદર પાવડરનો બજાર ભાવ પ્રતિ કિલો રુ.૨૦૦ સુધી મળતો હોવાના કારણે આ ખેતીમાં આર્થિક રીતે પણ સારી સફળતા મળી છે.
બાગાયત વિભાગની યોજના વિશે માહિતી આપતા નાયબ બાગાયત નિયામકશ્રી વાળાએ જણાવ્યુ હતુ કે, સરકારશ્રી દ્વારા બાગાયતી ખેડૂતોને મશીનરીની ખરીદી માટે ૭૫ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ માર્ચ/એપ્રિલ મહિનામાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે અને ત્યારબાદ દસ્તાવેજી વિગતોના આધારે ખેડૂતોને સહાયતા આપવામાં આવે છે. અમરેલી જિલ્લાના બાગાયતી ખેડૂતો આ વર્ષે આ યોજનામાં લાભ મેળવી શકે છે.
સંકલનઃ જય મિશ્રા