૪. કલમ કરવાની રીત માર્ચ માસના બીજા પખવાડિયાથી સપ્ટેમ્બરના પહેલા પખવાડિયા સુધીના સમયમાં જયારે ગોઠલામાંથી ઉગાડેલા એકથી ચાર-પાંચ વર્ષનાં મૂલકાંડ ઉપર નવી ફૂટ આવે અને તેની ડાળી ૬ ઈંચ લંબાઈની થયેલી હોય અને તેના પાન તથા ડાળી લાલ તામ્ર રંગના હોય ત્યારે બપોર પછીનાં સમયે આપણી પસંદગીનાં આંબા ઉપર જે ડાળીઓ પાન વગરની બનાવેલી હોય તે ડાળીઓ -ઉપરોપ ઝાડ ઉપરથી ડાળી લઈ ભીનાં કપડામાં લપેટી, પોલીથીનની કોથળીમાં મૂકીને લઈ આવવી. આ ઉપરોપની ડાળીઓ ઉપર રાખેલા પાનનાં ડીટાં, દસ દિવસનાં સમયમાં ભરાઈ ગયા હશે. જો ઉપરોપની ડાળીઓ દુરનાં પ્રદેશમાંથી લાવવાની હોય તો ઉપર જણાવ્યા મુજબ કપડામાં અને પ્લાસ્ટીકની કોથળીમાં મૂકી લાવવાથી એકાદ બે દિવસ પછી પણ વાપરી શકાય. ગોટલામાંથી ઉગાડેલા મૂલકાંડ ઉપર નવી ફૂટ આવી હોય તો નવી ફૂટનો ૩ ઈંચ જેટલો ભાગ રહેવા દઈ તેની ઉપરનો ટોચનો ભાગ ચપ્પુ વડે કાપી નાખવો. મૂલકાંડ ઉપર રહેલ ૩ ઈંચ (૮ સે.મી.) ના ડાળીનાં ભાગમાં ઉપરથી ચપ્પુ મૂકી ૧ થી ૧.પ ઈંચ (૩ સે.મી.) લંબાઈમાં ચીપિયા જેવો અથવા અંગ્રજી વી આકાર જેવો કપાયેલો ભાગ લાગશે. આ પ્રમાણે વી આકારે કપાયેલા મૂલકાંડની ડાળીની જાડાઈ જેટલી જ જાડાઈની એક ડાળી આપણે પાન વગરની લઈ આપેલ ઉપરોપની ડાળી જો ૪ ઈંચ કરતા વધુ લંબાઈની હોય તો નીચેનો ભાગ કાપી નાખી ડાળી ટૂંકી બનાવવી. લંબાઈ ૧૦ સે.મી. જેટલી જાડાઈની હોય તો તે ડાળીનો નીચેનો થોડોક ભાગ કાપી નાંખવો. ત્યારબાદ આ ઉપરોપની ડાળીના નીચેનાં છેડે સામ-સામેની બે બાજુઓ ૩ સે.મી. લંબાઈમાં છોલીને ફાચરની માફક બનાવવી. બાકી રહેલી સામસામેની બે બાજુઓ ઉપર છેક નીચેના ભાગ સુધીમાં સારા પ્રમાણમાં છાલ રહેવી જોઈએ. હવે આ ફાચર વાળો ભાગ મૂલકાંડ ઉપર અંગ્રેજી ‘વી’ આકારના ચીરેલા ભાગમાં બેસાડી ૧ થી ૧.પ સે.મી. પહોળી અને ૪પ સે.મી. લાંબી પોલીથીલીનની બસ્સો ગેજની પટ્ટી સમેત બાંધી દેવી. ફકત કપાયેલા ભાગની ઉપર અને નીચેનાં થોડો ભાગ પટ્ટીથી થોડો વધુ બંધાય તેમ કરવુ આમ કલમ તૈયાર થઈ ગઈ.
પ. કલમ કર્યા પછીની માવજત (૧) જે તે સ્થળે ત્રણ ગોટલામાંથી ઉછરેલા બધા મૂલકાંડ ઉપર કલમ કરવી અને તેમાંથી સફળ થયેલ સારો એક છોડ રાખી બાકીના છોડ છેક જમીનમાંથી કાપી નાખવા. જે તે સ્થળે ફકત એક જ કલમ થયેલો છોડ રાખવો.
(ર) કલમ કર્યા પછી બેસાડેલ ઉપરોપની ડાળી સિવાયનાં મૂલકાંડના છોડના કોઈપણ ભાગમાંથી નીકળતી નવી ફુટ દર પંદર દિવસે કાઢતા રહેવુ.
(૩) કલમ કરેલી ઉપરોપની ડાળીને પંદર દિવસ પછી સુકાઈ ગયેલી લાગે તો એકાદ માસમાં મૂલકાંડમાંથી બીજી નવી લાલ પાનની ફુટ નીકળશે. જો તે જુસ્સાદાર હોય તો તેના ઉપર ફરીથી ઉપર જણાવ્યા મુજબ કલમ કરવી અને જો બીજી વખત કરેલ નિષ્ફળ જાય તો બીજા વર્ષે આ જ છોડ ઉપર ફરીથી ઉપર જણાવ્યા મુજબ કલમ બનાવવી.
(૪) ચાર-પાંચ વર્ષના વધુ ફણગાવાળા આંબામાં કલમ કરવી હોય તો ઉભી ફુટતી બે મુખ્ય ડાળીઓ રાખી બાકીની કાપી નાખવી અને મુખ્ય ડાળીઓ ઉપર જણાવ્યા મુજબ કલમ કરવી.
(પ) જે તે આંબા ઉપર કરેલ કલમ જો સફળ થશે તો એકાદ માસમાં ઉપરોપની ડાળીમાંથી સારા પ્રમાણમાં ફૂટ નકળશે. કલમ કર્યા પછી એક દોઢ માસ સફળ થયેલી કલમ ઉપર બાંધેલી પટ્ટી છોડી નાખવી જો તેમ કરવામાં ન આવે તો પટ્ટી ઉંડી બેસી જશે.
(૬) કલમ કરવાના મુખ્ય છોડનો ગોટલો રોપ્યા પછી કલમ મોટી થાય ત્યાં સુધી ખામણુ મોટુ બનાવી રાખવું તેમાં સુકા પાનનો થર પાથરવો જેથી ચોમાસાના વરસાદનું પાણી નીચે જમીનમાં વધુ સંગ્રહી રહે.
(૭) કલમ કર્યા પછી જો પાણીની સગવડ હોય તો વખતો વખત પાણી આપતા રહેવુ જેથી આંબાની વૃધ્ધિ જલ્દી થાય છે. જો પાણીની સગવડ ન હોય તો જે તે જમીન અને આબોહવામાં દેશી આંબા પર વગર પાણીએ પણ કલમ સફળ થઈ શકશે. પરંતુ ફળાઉ થતા વધુ સમય લાગશે.
(૮) સફળ થયેલી કલમ ઉપર રોગ તથા જીવાત સામે જરુરી ઉપાયો વખતોવખત લેવા.
(૯) આ પધ્ધતિથી સામાન્ય રીતે ૭પ ટકાથી વધુ સફળતા મળે છે. વધુમાં દરેક સ્થળે બે આંબા ઉછેરી તેની ઉપર કલમ કરવાથી સફળતાના ટકા વધારી શકાય છે. સંજોગોવશાત કદાચિત નિષ્ફળતા મળે તો બીજા ત્રીજા વર્ષે પયત્ન કરી ૧૦૦ ટકા કલમી આંબો બનાવી શકાય છે. ટૂંકમાં જો એક કે તેથી વધુ વર્ષનો દેશી આંબો ઉછેરી તે કલમી આંબો મેળવી શકે છે. આજ સુધી કલમી આંબાની કલમો મેળવી તેને રોપી, પાણી આપી ઉછેરવાની પ્રચલિત રીતથી આંબો ઉછેરવાના આપણે પ્રયત્નો કરતા હતા જેમાં સફળતા ખૂબ જ ઓછી મળતી હતી. હવે ઉપર જણાવેલ નવી પધ્ધતિથી પ્રથમ મૂલકાંડ(દેશી આંબો) ઉછેરી તેની ઉપર આપણી મનપસંદ આંબાની જાતની કલમ ખૂબ જ સરળ અને સહેલી રીતે બનાવી શકીએ તેમ છીએ. શહેરોમાં તથા ગામડામાં રહેતા ભાઈઓ તેમના મકાનની આસપાસ આવેલી ખુલ્લી જમીનમાં, ચોકમાં કે વાડામાં એકાદ કે તેથી વધુ આંબા ઉછેરી કલમ કરે. પંચાયતો તેમના કબજાની પડતર જમીનમાં તેમજ ગામને જોડતા નાના રસ્તાઓ ઉપર ઉછેરી શકે.