ભારત જેવા વિકાસશીલ દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે નવીન સંશોધનોનો પાક ઉત્પાદનમાં બહોળો ઉપયોગ થાય તે જરૂરી છે. પાણી, જમીન અને ખાતરમાં થઈ રહેલ નવા જ સંશોધનોનો ઉપયોગ પાક ઉત્પાદન વધારવા તથા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ચાલુ સાલે પાણીની અછતને કારણે લાંબાગાળાના બાગાયતી પાકો પર ઘણી માઠી અસર જોવા મળે છે. આ પાણીની અછત હોવા છતાં તેમાં ઓછા પાણીએ બાગાયતી પાકોમાં સારૂ ઉત્પાદન મેળવવા માટે ખાસ કરીને ટપક પિયત પદ્ધતિ અને મલ્ચીંગ એ અગત્યની આધુનિક વિકસાવેલી પધ્ધતિ છે. જેથી પાકમાં વધારે અને સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શકાય છે.
મલ્ચિંગ એ જમીનના ભેજને બચાવવા અને સૂકી અથવા ગરમ સ્થિતિમાં ફળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ તકનીક છે જેમકે ઉનાળા દરમિયાન જ્યારે પાણીની અછત ચિંતાનો વિષય હોય છે ખાસ કરીને ગંભીર દુષ્કાળની સ્થિતિમાં જમીનના ભેજના સ્તરનું નિરીક્ષણ કરવું અને તે મુજબ પાણી આપવાની પદ્ધતિઓને સમાયોજિત કરવાથી ઉનાળા દરમિયાન ઓછા પાણીમાં ફળની સફળ ખેતી કરવામાં મદદ મળશે.
લીલા ઘાસ જમીન અને હવા વચ્ચે અવરોધ તરીકે કામ કરે છે, બાષ્પીભવન ઘટાડે છે અને જમીનનો ભેજ જાળવી રાખે છે. ગરમ ઉનાળા દરમિયાન જ્યારે પાણી જમીનમાંથી ઝડપથી બાષ્પીભવન થવાનું વલણ ધરાવે છે ત્યારે આ નિર્ણાયક છે. લીલા ઘાસ ગરમ દિવસોમાં ઠંડક અને ઠંડી રાત્રે ગરમ રાખીને જમીનના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ફળના છોડની મૂળ સિસ્ટમ માટે ફાયદાકારક હોઈ શકે છે.
મલ્ચીંગ એટલે શું ?
મુખ્ય પાકના છોડની આજુબાજુની ખુલ્લી જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચીંગ કહે છે અને જમીનને ઢાંકવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે મલ્ચ કહેવામાં આવે છે.
મલ્ચ મટીરિયલના પ્રકાર: સામાન્ય રીતે મલ્ચ મટીરિયલના બે પ્રકાર પડે છે. (૧) ઓર્ગેનિક મલ્ચ અને (ર) ઈનઓર્ગેનિક મલ્ચ (૧) ઓર્ગેનિક મલ્ચઃ સામાન્ય રીતે ઓર્ગેનિક મલ્ચ એ કુદરતી રીતે ઉત્પન્ન થયેલ વસ્તુ છે. જે મલ્ચ તરીકે વપરાય છે. જેવી કે ઝાડની છાલનો ભૂકો, પાઈની નીડલ, સુકુ ઘાસ, ચોખાનું પરાળ, ઘંઉનું પરાળ, સુકા પાંદડા, લાકડાનો વેર, કાપેલુ ઘાસ, લીલું ઘાસ વગેરે મલ્ચ મટીરિયલ્સને ઓર્ગેનિક મલ્ચ કહે છે. ઓર્ગેનિક મલ્ચ એ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુંને પુરતો ભેજ અને તાપમાન પુરુ પાડી તેમની કાર્યક્ષામતા વધારે છે. ઘણા પ્રકારના ઓર્ગેનિક મલ્ચ ઉપલબ્ધ છે પરંતુ સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ સરળતાથી મળતા મલ્ચીંગ મટીરિયલનો ઉપયોગ કરવો.
ઓર્ગેનિક મલ્ચના પ્રકારોઃ
૧. ઘાસ: સુકુ ઘાસ એ સરળતાથી મળતુ મલ્ચીંગ મટીરિયલ છે. જો તેને લીલુ ઘાસ જમીનમાં દાટવામાં આવે તો તે જમીનમાં નાઈટ્રોજન પુરો પાડે છે. પરંતુ જો ચોમાસામાં લીલા ઘાસનો ઉપયોગ કરવામાં આવે તો તેના પોતાના મુળ ફુટે છે જે મુખ્ય છોડ માટે અવરોધરૂપ બને છે. જેથી સુકા ઘાસનો મલ્ચીંગ તરીકે ઉપયોગ કરવો હિતાવહ છે.
ર. પરાળઃ ચોખા અને ઘંઉનું પરાળ એ સામાન્ય રીતે ફળ અને શાકભાજીના પાકોમાં વધુ પ્રમાણમાં વપરાય છે. પરાળમાં ઓછા પ્રમાણમાં પોષક તત્વો હોવા છતાં તે કોહવાયા બાદ જમીનને ફળદ્રુપ બનાવે છે. પરાળના મલ્ચનું આયુષ્ય વધારે હોવાથી બીજા મલ્ચ કરતા વધારે પ્રચલિત છે. (ક્રમશઃ)