જખૌ વિસ્તારમાંથી મળી આવેલી અજાણી લાશનો ભેદ આખરે જખૌ પોલીસે ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરનાર પોલીસે મૃતકના શરીર પરના શંકાસ્પદ નિશાન અને માથામાં થયેલી ઇજાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી. પોલીસની ત્રણ ટીમો દ્વારા સીસીટીવી સર્વેલન્સ સહિતની તપાસ હાથ ધરાતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. મૃતકની ઓળખ ઓસમાણ ઉમર તરીકે થઈ છે, જ્યારે હત્યાના આરોપમાં હાજી જુમાં સિદીની અટકાયત કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છના જખૌ વિસ્તારમાંથી ગત તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ બિનવારસુ હાવતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી તો, મૃતદેહના કમરના ભાગે દોરી બાંધેલી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
બીજા દિવસે તારીખ ૬ સપ્ટેમ્બરે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ મૃતકના માથાના ભાગે ઇજાઓ હોવાનું સામે આવતા હત્યા થયાની આશંકા મજબૂત બની હતી. જેના આધારે જખૌ પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી સર્વેલન્સ અને અન્ય ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દેવભૂમિ દ્વારકાના રહેવાસી અને માછીમારીનો વ્યવસાય કરતા ઓસમાણ ઉમર તરીકે થઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક ઓસમાણ ઉમર અને શંકાસ્પદ હાજી જુમાં સિદી બંને નાનપણના મિત્રો હતા અને માછીમારીનો વ્યવસાય કરતા હતા. બંને વચ્ચે ચાની કેબીન પર બહેન વિશે અભદ્ર શબ્દો બોલવાને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ઝઘડામાં પરિણમ્યો હતો.
આરોપ છે કે હાજી જુમાં સિદીએ પથ્થર વડે ઓસમાણ ઉમરને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યા બાદ જખૌ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ હત્યાકાંડના સમાચાર વાયુવેગે ફેલાતા કચ્છ કંથડમાં હાહાકાર મચ્યો છે.