ઇરાક-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષની આશંકા વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઇંધણની તંગી હોવાની અફવાઓએ જોર પકડ્‌યું છે. આ અફવાઓને કારણે સાવરકુંડલા, ધારી, વડીયા અને અમરેલી જેવા મુખ્ય શહેરોમાં લોકોમાં ભારે ચિંતા પ્રસરી હતી. ખાસ કરીને ખેડૂતો ખેતીકામ માટે ટ્રેક્ટરો અને મોટા બેરલો લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઈ હતી. સાવરકુંડલામાં તો અચાનક માંગ વધવાને કારણે એક પંપ પર સ્ટોક ખાલી થઈ જતા વેચાણ અટકાવવું પડ્‌યું હતું, જેનાથી લોકોમાં ડર વધુ ઘેરો બન્યો હતો. જોકે, આ ગભરાટ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે મીડિયા દ્વારા નાગરિકોને ખાતરી આપી છે કે વહીવટી તંત્ર પાસે તમામ કંપનીઓના પંપ પર પર્યાપ્ત સ્ટોક છે અને વિતરણ વ્યવસ્થા કાર્યરત છે. તંત્રએ જનતાને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી ફેલાતી ખોટી અફવાઓથી દોરાઈને બિનજરૂરી સંગ્રહખોરી કરવી જોઈએ નહીં.