ખાંભા તાલુકાના નાના બારમણ ગામે એક અરેરાટીભરી ઘટના સામે આવી હતી. જેમાં પત્ની રિસાઈને પિયર ચાલી જતાં તેના વિયોગમાં એક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે અરજણભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.૫૯) એ જાહેર કર્યા મુજબ, તેમના મૃતક પુત્ર અજયભાઇ અરજણભાઇ પરમાર (ઉ.વ.૨૮) ના પત્ની છેલ્લા ચારેક દિવસથી કોઈ કારણોસર રિસામણે પોતાના માવતરના ઘરે જતા રહ્યા હતા. પત્ની પિયર જતી રહેતા તે ભારે માનસિક તણાવમાં હતો.પત્નીના વિયોગમાં અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર તેણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લીધો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે આર સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.









































