ભારતે અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને “પાકિસ્તાની કાશ્મીર” તરીકે ઉલ્લેખ કરતા એક અહેવાલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. અમેરિકામાં ભારતીય દૂતાવાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે “પાકિસ્તાની કાશ્મીર જેવી કોઈ વસ્તુ નથી; ફક્ત પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર છે.” સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા, ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે, હંમેશા રહ્યા છે અને રહેશે.ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં તાજેતરની અશાંતિ અને સ્થાનિક ચૂંટણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ ભારતનો પ્રતિભાવ આવ્યો હતો. અહેવાલો અનુસાર, મીરપુરમાં હિંસા ફાટી નીકળી હતી જ્યારે સુરક્ષા દળો સંયુક્ત આવામી એક્શન કમિટીના સભ્યો સાથે અથડાયા હતા, જે કથિત પોલીસ અતિરેકનો વિરોધ કરી રહી હતી. અમેરિકન અખબાર અનુસાર, અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માનવાધિકાર આયોગે મૃત્યુની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી અશાંતિએ અનેક લોકોના જીવ લીધા છે અને સ્થાનિક ચૂંટણી પ્રક્રિયાને અસર કરી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાઈન્ટ આવામી એક્શન કમિટીનો દાવો છે કે પોલીસ સાથેની અથડામણમાં તેના ઘણા સભ્યો માર્યા ગયા હતા. જા કે, અખબારે સ્પષ્ટતા કરી છે કે આ દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાતા નથી અને અધિકારીઓ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.ભારતે ફરી એકવાર પોતાના લાંબા સમયથી ચાલતા અને સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. ભારતનો દાવો છે કે પાકિસ્તાને આ પ્રદેશના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજા જમાવ્યો છે, પરંતુ આ ભારતના સાર્વભૌમ અધિકારોને અસર કરતું નથી. દૂતાવાસે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ વિસ્તારોમાં રહેતા લોકો સામે હિંસાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.









































