સુરેશ ઓફિસેથી ઘરે પહોંચ્યો, અને ઘરે તાળું જોઈને ગુસ્સે થઈ ગયો. પોતાની ચાવીથી ઘરનું તાળું ખોલીને અંદર ગયો તો અસ્તવ્યસ્ત ડ્રોઈંગરૂમ જોઈને વધારે ગુસ્સે થઈ ગયો. છાપાના પાના આમ તેમ વિખરાયેલા પડયા હતા, ફોન જમીન પર હતો, સોફાની ગાદી આડીઅવળી હતી, જમવાના ટેબલ પર તો એટલી વસ્તુનો ખડકલો હતો કે કંઈ મૂકી જ ન શકાય, સમારેલા શાકનો કચરો ખૂણામાં પડ્યો હતો. રસોડામાં ગયો તો પાણી પીવાના બઘા ગ્લાસ ઘસવા મૂક્યા હતા. રસોડું તો ડ્રોઈંગ રૂમથી પણ વધારે અસ્ત વ્યસ્ત હતું
     “હદ હોય છે બેદરકારીની… તને ખબર છે કે મને સ્વચ્છ ઘર પસંદ છે, પરંતુ મારી તમે પરવા જ ક્યાં છે ? મને ઓફિસેથી આવીને ઘરમાં એકલા નથી ગમતું તે જાણવા છતાં મારા આવવાના સમયે જ બહાર જાય છે..” સુરેશ બડબડાટ કરવા લાગ્યો. તેણે તેની પત્નીને હજાર વખત સમજાવી છે કે ઘરમાં બઘો  સામાન વ્યવસ્થિત રાખે કે જેથી ઘર ચોખ્ખું રહે અને જોઈતી વસ્તુ તરત મળી જાય, પણ તેની પત્ની દલીલ કરતી કે આ ઘર છે હોટલ નથી કે બઘું સાફસુથરુ હોય. વળી પત્નીની પસંદ પણ અજીબ હતી, તેને વેરવિખેર સામાન જ ગમતો, સુરેશ થોડીવાર બડબડાટ કરીને પોતે જ ઘરને વ્યવસ્થિત કરવાના કામમાં લાગી ગયો. તેની પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.
     ખામી તો દરેક વ્યક્તિમાં હોય છે, પરંતુ માનવી સમય અનુસાર બીજાની પસંદ નાપસંદ નો ખ્યાલ રાખી પોતાની આદતો ને બદલી નાખશે છે અથવા બદલાવવાનો પ્રયત્ન તો જરૂર કરે છે. અન્ય સંબંધો જેવા કે ભાઈ-બહેન અથવા માતા- સંતાનોમાં આ ખામી એટલી બઘી પડતી નથી, જેટલી પતિ પત્નીના સંબંધોમાં પડે છે, કારણકે તેમને આખું જીવન એકબીજા સાથે રહેવાનું હોય છે. આવા સંજોગોમાં એકબીજાની ખામી સાથે જીવવું થોડું અઘરું પડે છે.
      અહીં આપણે પત્નીની ખામીથી ત્રાસી ગયેલા પતિઓની ચર્ચા કરીએ છીએ, કારણકે સ્ત્રીઓ બાળપણથી જ દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ જતી હોય છે. એટલે લગ્ન પછી સાસરીયાની રીત મુજબ ટેવ બદલતી હોય છે. પરંતુ પતિ માટે આ બાબત થોડી મુશ્કેલ હોય છે.. તેના કારણે તે નારાજ થઈ શકે છે, લડી શકે છે, અને સમજાવી પણ શકે છે.‌ પણ છોડી શકતો નથી. ઘીરે ધીરે તૈ ખામીઓથી એટલો ટેવાઈ જાય છે કે “બિચારા” પતિના દરજ્જામાં આવી જાય છે.
         લગ્નના થોડા સમય સુધી તો બઘું સારું લાગે છે, ખાસ કરીને પ્રેમલગ્ન પછી તો બન્ને આકાશમાં ઊડવા લાગે છે. પત્નીની દરેક વસ્તુ સારી લાગે છે. એટલી હદ સુધી કે તેનું રિસાઈ જવું પણ‌ ગમે છે, પરંતુ ધીરે ધીરે વાસ્તવિકતા સામે આવતા જ કઠોર જમીનનો અહેસાસ થવા લાગે છે. જે આદતોને કયારેક સારી લાગતી હતી તે હવે ખૂંચવા લાગે છે, પહેલા જે આદતોને હસવામાં ટાળી દેતા  હતા તે આદતો જ પછીથી અસાધ્ય લાગવા માંડે છે, પરંતુ પતિ એમ વિચારીને ચૂપ રહે છે કે જ્યારે પરસ્પર આટલો પ્રેમ છે તો પછી બઘી વાત વધારીને ઝઘડો શા માટે કરવો ? પત્ની સુંદર – સ્માર્ટ હોય તો તેની નાની નાની ખામીને નજરઅંદાજ કરવામાં અથવા ટેવાઈ જવામાં ખોટું શું છે ???
      જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની નજીક આવે છે અને વધુ સારી રીતે એકબીજાને ઓળખે છે ત્યારે ઘણી વાતોનું આદાન પ્રદાન થાય છે. ક્યારેય એવું લાગે છે કે બન્ને હથિયાર ઉપાડવા તૈયાર છે. યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે.‌શરુઆતની નાની-નાની દલીલો જોઈને લાગે છે કે ક્યાંક વાત વધી ન જાય. પરંતુ દામ્પત્યજીવનમાં આવું બનતું નથી. ક્યારેક ગુસ્સો આવે છે, પણ પતિ સંયમ જાળવી લે છે.
      પત્નીની ખામીથી ત્રાસી ગયેલા પતિના મનમાં એવો ખ્યાલ પણ ચોક્કસ આવતો જ હોય છે કે આના કરતાં તો હું એકલો જ સારો હતો. પરંતુ છૂટાછેડાની જટિલતા કે પાછું સમાજનો, બાળકોનો, કુટુંબનો વિચાર કરીને ગભરાય જાય છે અને મનમાં સ્વીકારી લે છે કે જે છે તે યોગ્ય જ છે. પછી પતિ શાંતિ સ્થાપવા પોતાની આદત અને પત્નીની ખામીઓ વચ્ચે તાલમેલ બેસાડવા પ્રયત્ન કરે છે, કારણકે તેના કારણે જ સંબંધ ટકી રહે છે. તે એવું વ્યકિત જે કે જે તમારા જેવી નથી, અર્થાત જુદા સ્તર અને રહેણીકરણીમાંથી આવે છે. પતિને તેના પર ગુસ્સો આવે છે પણ તે સમજદારી કે લાચારીથી બઘું સહન કરી લે છે.
        ખરેખર તો પતિ જાણે છે કે દલીલો દ્રારા ખામીઓ કે ટેવોને બદલી શકાશે નહીં. જો તે એવું વિચારે કે દરેક દલીલને અંતે તે જીતે અને પત્નીને ભૂલીને અહંકારનો સંતોષ મેળવે તો તેમનો સંબંધ વધુ દીવસ જળવાય રહેશે નહીં. આના બદલે તાલમેલ બેસાડી જીવનમાં મધુરતા લાવવા પ્રયત્ન કરવો જોઈએ, કારણકે ત્યારે એટલો વિશ્વાસ અને સાંત્વના તો રહે છે કે સંબંધને જાળવી રાખવાનો પ્રયત્ન સફળ થઈ રહ્યો છે.
     ફરી એકવાર જ્યારે પતિ પોતાના મિત્રો પાસેથી તેમની પત્નીઓની ખામીઓ વિશે સાંભળે છે ત્યારે દરેક પતિને થાય છે કે પોતાની પત્ની બીજાની પત્ની કરતા ઘણી સારી છે.‌ આવી સ્થિતિમાં તેમની કેટલીક ખામીથી ટેવાઈ જવું પડે તો તેમાં ખોટું શું છે ? વિવાદ કરવાથી લગ્ન જીવનમાં તિરાડ પડે તેના બદલે “બિચારા” પતિ ચૂપચાપ પત્નીની ખામીઓ સ્વીકારી લે છે.