“એય દિપા… તું નહીં માને, પણ આજે મેં મારી જાતને ગિફ્‌ટ આપી… ઘણા વર્ષોથી મારું સપનું હતું કે હું મારા માટે કાર લઉ. આજે આ સપનું પુરુ થયું. કાર આવી ગઈ… સાંજે લોન્ગ ડ્રાઈવ પર જવું છે..” એક સવારે મારી બેસ્ટ ફ્રેન્ડ હિનાનો ફોન આવ્યો. તેના અવાજમાં ખુશી છલકતી હતી. કાર તો તેના ઘરે હતી જ… પણ તે તેના પતિ ઓફિસે લઈ જતા. આ તો તેની પોતાની કાર… ખુશી તો થવાની જ… હું પણ ખુશ થઇ અને સાંજના પહેલેથી નક્કી થયેલા પ્રોગ્રામમાં ફેરફાર કરીને હિના સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાનો સમય કાઢી લીધો.
હિનાની થોડી વાત કહું તો હિના મારી બાળપણની સખી… સાથે જ મોટા થયા એટલે એકબીજાની બધી જ વાત અમને બન્નેને ખબર… હિનાની નાનપણથી જ ઇચ્છા હતી કે તે ફક્ત હાઉસવાઇફ નહીં બને.‌તે નોકરી પણ કરશે, એક કાર લેશે. પણ સ્ત્રીઓની બાબતમાં મનનું ધાર્યું થોડું થાય છે ? નાનપણના સપના લગ્ન થતાં ક્યાં ખોવાય જાય એ ખબર નથી પડતો. જવાબદારીના બોજ તળે દબાઈ – કચડાઈ ગયેલા સપના આંખમાં આંસું લાવી દે છે. હિનાના સપના પણ તૂટી ગયા. લગ્ન પછી સાસુ – સસરા – દાદાજીની સેવામાં નોકરી કરવાનું ભૂલાઈ ગયું. ઘરની જવાબદારી અને વડિલોની નામંજુરીને કારણે ઘરમાં જ રહી ગઈ. તેમાં લગ્નના દોઢ વર્ષમાં દીકરીનો જન્મ થયો એટલે તો પૂરી બંધાય ગઇ. આખો દિવસ ઘરગૃહસ્થીમાંથી નવરી જ ન પડે.
તેને રેગ્યુલર મળવાનું તો ન બને, પણ મોબાઈલ દ્વારા દોસ્તી જળવાઈ રહી, અને દોસ્તીમાં રૂબરૂ મળવું ક્યાં જરુર છે ? ન મળીએ તો પણ દોસ્તીમાં ફેર થોડો પડે ? જ્યારે મળીએ ત્યારે પૂરા દિલથી મળીએ. જ્યારે મળીએ ત્યારે એક જ વાત કહે, “યાર.. મારે પણ નોકરી કરવી છે, પણ…” તેના અધુરા શબ્દો આંખમાંથી છલકી પડે.
લગ્નના દસ વર્ષ પછી દાદાજીનુ અવસાન થયું. દીકરી મોટી થઈ, એટલે તે થોડી ફ્રી થઇ. ફરીથી તેના સપના સળવળ્યા, અને કેટકેટલી સમજાવટના અંતે સાસુએ નોકરી કરવાની હા પાડી, અને તે સ્કૂલમાં ટીચર તરીકે જોડાઈ. સવારે વહેલા ઊઠીને કામ કરીને તે સ્કુલે જાય, આવીને રસોઈ કરે, પણ તે ખુશ હતી. તેનું સપનું પુરુ થયું. સ્કૂલમાં પણ તેની નામના સારી, તેની ભણાવવાની પદ્ધતિએ એને વિદ્યાર્થીઓમાં પ્રિય બનાવી દીધી. બે – ત્રણ વર્ષ પછી
પગાર પણ વધ્યો.
એકવાર ફોનમાં કહેતી હતી કે, “યાર.. પગાર સારો છે, પણ હું મારા માટે કંઈ લઈ શકતી નથી. નોકરી કરું એટલે બધાની આશા વધી જાય. દીકરી નવો મોબાઈલ માંગે, ફેશનેબલ વસ્ત્રો માંગે, પતિ બ્રાન્ડેડ વોચ માંગે, સાસુ સસરા જાત્રા કરાવવાનું કહે… મને બધાની ઇચ્છા પૂરી કરવામાં આનંદ મળે જ છે…
આભાર – નિહારીકા રવિયા પણ મારા માટે કોઈ કંઈ વિચારતું નથી, ક્યારેય કોઈએ કંઈ પુછ્યું નથી કે તારા પગારમાંથી તારે કંઈ લેવું છે ? મારો પગાર શરુ થયો એટલે પતિએ નવી કાર લીધી, એમ કહ્યું કે હપ્તા તો તારા પગારમાંથી ભરાય જશે. મને‌ હપ્તા ભરવામાં વાંધો નથી, પણ એ કાર એકવાર પણ મેં ચલાવી નથી. મારા પતિને ખબર જ છે કે કાર લેવાનું મારું સપનું છે.. પણ ક્યારેય હું એકલી કાર લઈને નથી ગઈ.. તે સાથે હોય ત્યારે ક્યારેક ચલાવી લઉં. બધાને ખુશ જોઈને મને આનંદ થાય જ છે, પણ ક્યારેક દુઃખી થવાય કે મારા પગારમાંથી હું મારી જાત માટે કંઈ ન લઈ શકું ? હવે મારે મારી જાતને ગિફ્‌ટ આપવી છે…”
હિનાની વાત સાચી છે. પુરુષ હોય કે સ્ત્રી, જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે બન્નેની મહેનત અને ટેલેન્ટ સરખા જ હોય છે. પણ છતાં ઘર પરિવારની જવાબદારી અને તેમની ડિમાન્ડ પૂરી કરવામાં આપણે સ્ત્રીઓ આપણી જાતને ભૂલી જઈએ છીએ. બધા માટે કંઈકને કંઈક લાવતા જ હોઈએ છીએ. ઘરના દરેક સભ્યને શું જોઈએ છે એ આપણને ખબર જ હોય છે, પણ આપણને શું જોઈએ છે એ આપણે ભુલી જઈએ છીએ. સંતાનો માટે કે પતિ માટે મોંઘામાં મોંઘી વસ્તુ ખરીદવામાં એક મિનિટનો વિચાર નથી કરતા, અને જાત માટે ખરીદી કરવામાં સો વખત વિચાર કરીશું … એમ કેમ ??
હિનાએ હિંમત કરીને પોતાનું સપનું પુરુ કર્યુ. પોતાની જાતને ગિફ્‌ટ આપીને પોતાની જાતને રિસ્પેકટ આપી. આ ગિફટનો આનંદ અનેરો હોય છે. ગિફ્‌ટ ભલે નાની કે મોટી હોય, પણ પોતાની કમાણીમાંથી પોતાની જાતને ગિફ્‌ટ આપવામાં છે ખુશી મળે છે એ અનેરી હોય છે. આર્થિક અડચણ ન હોય તો પોતાનું સપનું પુરુ કરવામાં મોડું ન કરવું…
તમે વિચારી જોજો… તમે છેલ્લે તમારા માટે ગિફ્‌ટ ક્યારે ખરીદી હતી ???? deepa_soni1973@yahoo.com