હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી શહેર અને જિલ્લાની જાહેર જનતાને હિટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવું. બને એટલું વધારે પાણી પીવું, તાજા ફળોનું સેવન કરવું, સાદા સુતરાઉ કપડા પહેરવા, સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો, છાંયામાં રહો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરો તેમજ બે-ત્રણ દિવસે પક્ષીકુંજ સાફ કરો, જો કોઈને હીટસ્ટ્રોક થાય તો સૌપ્રથમ આઇસપેક અથવા ઠંડા પાણીથી શરીરનું તાપમાન સામાન્ય કરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ, ઘરમાં ઇલેક્ટ્રોલાઇટ્‌સ (મીઠું અને ખાંડવાળું પાણી) રાખો, વધુ પાણીનું સેવન કરો. લુ લાગવાની સ્થિતિમાં સ્નાન કરો, ઠંડી જગ્યાએ જવું. આરામ કરો, વધુ પાણી પીવું. ડોક્ટરની મુલાકાત લો અથવા કોલ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવો. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઊબકા કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડાક્ટરની સલાહ સારવાર લેવી. લક્ષણો વધારે ગંભીર થાય તો સ્નાયુનું ખેંચાણ એક કલાકથી વધુ ચાલે છે. બેભાન થવાની સ્થિતિ સર્જાય છે. ગરમીની સ્થિતિમાં સાવચેત રહેવા અને તકેદારીના પગલા ભરવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદાર દ્વારા જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.