મારા એક સાથી કર્મચારી છે. હંમેશા ફ્રસ્ટ્રેડ, નિરાશ… દિવસમાં એક વખત તો બોલે જ કે, “આવી જિંદગી કરતાં મરી જવું સારું..” ચા નો સમય થાય ત્યારે પટાવાળા પૂછે કે, “ચા લાવું ?” તો કહેશે કે, “ હા…. તેમાં થોડું ઝેર નાખીને લાવ..” બાઈક પણ ફાસ્ટ ચલાવે, કોઈ ટકોર કરે તો કહેશે, “એક્સિડન્ટ થઈ જાય તો સારું.. મરી જવાય એટલે શાંતિ…” આખો દિવસ બસ મરવાની જ વાત…
બીજાં એક બહેન, જ્યારે મળે ત્યારે ‘કેમ છો ?’ ના જવાબમાં એમ જ કહે કે, ‘બસ જીવું છું… મોત આવે તો શાંતિ.., આ બધાથી છુટાય..’ પણ ક્યારેય એ ન કહ્યું કે શેનાથી છુટવું છે ??
તમને બધાને એક સવાલ પુછવો છે. દિલ પર હાથ રાખીને, ઊંડા શ્વાસ લઇને જવાબ આપજો.. ખરેખર વિચારજો, પછી જાતને જવાબ આપજો. તમને ક્યારેય મરવાનું મન થાય છે ? કયારેય એવું થાય છે કે આ જીવનમાં કંઈ નથી. મરી જઈએ તો શાંતિ … કેટલીવાર તમને ઝેર પી ને સુઈ જવાની ઈચ્છા થાય છે ? કેટલીવાર થાય છે કે નદી તળાવમાં ઠેકડો મારીએ ? ક્યારેક ધસમસતી ટ્રેન સામે પડતુ મુકવાની ઈચ્છા થાય છે ? અગાસીમાં ઉભા હો તો પાળી પર ચડીને કુદી પડવાનું મન થાય છે ? દરિયાના મોજા સામે અથડાઈને તેમાં તણાઈ જવાની ઈચ્છા થાય છે ? જીવનમાં કેટલી વખત એવું લાગે છે કે હવે જીવવું નકામું છે ? મરી જઈએ તો શાંતિ….
એક સર્વે મુજબ થોડા સમય પહેલા કેટલાક લોકોએ મરવા માટે સરકારને અરજી આપી હતી. જો કે આ કોરોનામાં તો મરવાની ઇચ્છા વ્યક્ત કરનારની સંખ્યા બમણી થઈ ગઈ હશે. અરજી કરનારે લેખિતમાં જણાવ્યું હતું કે, જીવવાની મજા નથી આવતી એટલે અમારે મરી જવું છે, અમને મરવાની રજા આપો. અરજીમાં લખાયેલા કારણો પણ ક્ષુલ્લક હતા. જેમ કે.. પત્ની વાત નથી માનતી, ભાઈઓ સાથે ઝઘડા થાય છે, મિલકતમાં ભાગ નથી મળતો, નોકરીમાં પ્રમોશન નથી મળતું.. વગેરે… અરજી અંગે તપાસ કરવા માટે સરકારી માણસો બધાના ઘરે પણ ગયા. ત્યારે મજાની વાત જાણવા મળી કે એમાંથી કોઈએ આપધાત કર્યો ન હતો. બધાની જિંદગી સરળતાથી ચાલતી જ હતી.
મોટાભાગે આપધાતના કારણોમાં નોકરી ન મળવી, દેવું થવું, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા, પરીક્ષામાં માર્ક ઓછા આવવા, કોઈ વસ્તુ ન મળવી, પ્રેમ સંબંધ હોવો, મિલકતના ઝઘડા આવા જ કારણો હોય છે. વિચારીએ તો એમ લાગે કે આપઘાત માટે આગળ ધરાતા કારણો હકીકતે ખરેખર તો એટલા મહત્વના કારણ છે જ નહીં… ખરેખર તો આપધાતના કારણો ‘અપેક્ષા’ છે. આપણી અપેક્ષા પૂરી ન થાય એટલે જ આપઘાતના વિચાર આવે છે. ખરેખર તો જીવનમાં કોઈને કંઈ ખૂટતું જ નથી હોતું. બસ થોડી અપેક્ષા વધારે હોય છે.
ઘણા લોકો નાની નાની વાતમાં મરી જવાની વાત કરતા હોય છે. પ્રેમમાં પડેલા પ્રેમીઓ એકબીજાને એવું કહેતા હોય છે કે તું નહીં મળે તો હું મરી જઈશ… જો કે બ્રેકઅપ પછી પણ જીવતા જ હોય છે એ અલગ વાત છે. ઘણીવખત નોકરીના સ્થળે પણ કર્મચારી કહેતા હોય છે કે આવી નોકરી કરવી તેના કરતાં મરી જવું સારું… સ્ત્રીઓ તો વારંવાર પતિને કહેતી હોય છે કે તમારી સાથે જીવવા કરતાં મરી જવું સારું…
શું મરી જવું એટલું સહેલું છે ? મરી જવું એટલે શું ? શરીરમાંથી જીવ નીકળી જવો એટલે મરી જવું… આ કોઈ અઘરું કામ નથી. મરવાના વિચારો કરનારને થાય છે કે ઝેર પી લઈએ, ગળે સાડી વીંટીને પંખે લટકી જઈએ, તળાવમાં કુદી જઈએ, વાહન ભટકાવી દઈએ… ક્ષણ બે ક્ષણની તકલીફ… પણ પછી જીવનથી છુટકારો… બધાને શાંતિ… પણ આ ક્ષણ બેક્ષણ કાઢવી કેટલી અઘરી છે એ ક્યાં ખબર છે? આપઘાત કરનારનો ઈન્ટરવ્યુ લઈ નથી શકાતો, નહીં તો સમજાય કે મરવાની વાત કરવી અને ખરેખર મરવું કેટલું અલગ છે ?
જિંદગીમાં ક્યારેક હતાશા આવી જાય ત્યારે આવા બધા વિચાર આવે છે. ત્યારે આપણને પ્રેમ કરનારનો પણ વિચાર નથી આવતો. ત્યારે વરસતા વરસાદની, ફુલોની મહેંકની, ખૂબસૂરત વાતાવરણની કે સંતાનોના પ્રેમની કોઈ અસર નથી રહેતી. ત્યારે આંખમાં આંસું વધી જતાં બાકી બધું ધુંધળુ દેખાય છે.‌ આત્મહત્યા એ નિષ્ફળતાની ક્ષણ છે જ નહીં… બસ એ ક્ષણે માણસ‌ જીવવાનુ ભૂલી જાય છે અને મોતને ગળે લગાડી દે છે. પણ એ ક્ષણ દરમિયાન જીવવાનું કારણ યાદ કરે તો આપઘાતની ક્ષણ પસાર થઈ જાય છે.
અને આ જીવન એટલે શું ? નજર સામે જીવનસાથીનો હસતો ચહેરો આવવો… જીવવું એટલે સંતાનોના ચહેરા પરની નિર્દોષતા જોવી, જીવવું એટલે વરસતા વરસાદમાં પલળતા જવાની મજા માણવી… જીવવું એટલે વરસતા વરસાદમાં લોન્ગ ડ્રાઈવ પર જવું… જીવવું એટલે મંદિરમાં થતાં ઘંટારવને સાંભળીને હાથનું આપોઆપ જોડાય જવું… જીવવું એટલે મિત્રો સાથે એક ચા માંથી અડધી અડધી કરીને પીવી… જીવવું એટલે ગીત ગણગણતા ઘરનું કામ કરવું… જીવવું એટલે પ્રિય પાત્રની અધિરાઈથી રાહ જોવી અને તે આવતા ચહેરા પર ચમક આવવી, જીવવું એટલે બહારગામ
આભાર – નિહારીકા રવિયા વસતા દીકરાનો કે સાસરે ગયેલી દીકરીનો ફોન આવવો.. જીવવું એટલે એવી ઘણી ઘટના.. જેમાં ખુશી અને માત્ર ખુશી જ મળે…
મરણ નિશ્ચિત જ છે. પણ મરવાના સમયે જ મરવાનું છે. મોત પહેલા મરવાના વિચારો કરવા એ હારની નિશાની છે. મન કેદખાનુ બની જાય ત્યારે આપઘાતના વિચાર આવે છે. મનને હારવા ન દો… મનને જીવતું રાખો…ખુશ રાખો.. મરવાના વિચારો કરનારને જીવન તરફ વાળવા સૌથી પહેલા તેમના નિરાશાજનક વિચારો દુર કરવા પડે. આપઘાતના વિચાર આવે એવા કારણો શોધીને તેને દુર કરવા જોઈએ. જો એ કારણ દુર નહીં થાય તો ક્ષણ બેક્ષણ તો પસાર થઈ જશે.. પણ ફરી ફરીને પાછા એ જ વિચાર આવશે.મરી જવું એટલે ? આપણે જાતે જ આપણી જાતથી છુટા પડી જવું… અટકી જવું.. જો કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્મોના ફેરા પૂરા થતા જ નથી… તો પછી આ જન્મ જ કેમ ન જીવી લઈએ ?? હતાશાના વિચારો કેમ દુર ન કરીએ.? આપણી પાસે શું નથી એ બદલે શું છે એ ન વિચારી શકાય ? આપણી ખુશીમાં ખુશ થતા પરિવારજનો અને મિત્રોને જોવો, જીવનસાથી અને સંતાનોનું સ્મિત જોવો.. તો લાગશે કે આપણા જેવું સુખી કોઈ નથી.. મોત પહેલા નથી મરવું… બસ જીવતા રહો… ખુશ રહો.. મિત્રોને મળતા રહો… ઙ્ઘીpટ્ઠ_ર્જહૈ૧૯૭૩જ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ