શ્રી કૃષ્ણ… શ્યામ બન્યા.. કારણ કે તેમનો રંગ શ્યામ હતો, પણ શ્રીકૃષ્ણ જેના પ્રેમમાં દિવાના હતા, જેના વગર કૃષ્ણની કલ્પના પણ ન થઇ શકે, જેના વગર કૃષ્ણ અધુરા છે, કૃષ્ણની પહેલા આપણે જેનું નામ લઇએ છીએ, તે રાધા તો દૂધથી પણ વધુ ગોરા હતા. રાધાને કૃષ્ણનો શ્યામ રંગ કયારેય ખટકયો જ નથી.. પણ કૃષ્ણને હંમેશા એમ થતું કે, “રાધા કયું ગોરી.. મેં કયું કાલા” અને સવાલના જવાબમાં યશોદા માતા કહેતા કે અંધારી રાતે જન્મ લીધો એટલે તું કાળો… કયારેક કહેતા કે “રાધાની કજરાળી કાળી આંખેથી તારા પ્રત્યે વરસતા પ્રેમના વરસાદથી તું કાળો.” રાધાએ પણ કહ્યું, “તું તો જગથી નિરાલો એટલે તું શ્યામ..”.
પણ કૃષ્ણના મનમાં રાધાના ગોરા રંગ સામે પોતાનો શ્યામ રંગ ખટકતો. એટલે એકવાર તેના સવાલોથી કંટાળીને માતા યશોદાએ કહી દીધુ કે…, “જા.. તું રાધાને રંગી આવ… તને મનમાં આવે તેવા રંગોથી રાધાને રંગી દે…” અને ખરેખર બાળકૃષ્ણએ રાધાને રંગી દીધા… તે દિવસ હતો ફાગણી પૂનમ.. અને તે દિવસથી ફાગણી પૂનમના હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી થઇ.
રાધા શ્રીકૃષ્ણની પ્યારી છે તો મીરા કૃષ્ણની દાસી છે. મીરાએ કૃષ્ણ માટેનો પ્રેમ ભજનો દ્વારા છલકાવ્યો છે. મીરા કહે છે કે, “કૃષ્ણના પ્રેમમાં એ હદે રંગાઇ જવું છે … હે શ્યામ મારી ચુનરી એવા રંગોથી રંગી દે કે કોઇ કાળે તે રંગ છુટે નહી” રાધાએ તો કૃષ્ણને અબીલ ગુલાલથી રંગ્યા હતા, પણ મીરા તો શ્યામ રંગથી રંગાવાનું પસંદ કરે છે. મીરાના ભજનો પ્રેમનો જામ છે. મીરા તન-મન-ધન-આત્માથી શ્રીકૃષ્ણમાં લીન થવા માંગે છે. ઘણીવાર તો તેના ભજનોથી એવું લાગે છે કે રંગોના ઉત્સવ હોળીને મીરાએ તો જન્મ નથી આપ્યો ને ??
“કૃષ્ણ કે દિન ચાર
હોલી ખેલ મના રે..
બિન કરતાલ
પખવાજ બાજે
બિન સૂર રાગ
છતી સૌ ગાવે
રોમ રોમ રંગ સારે રે”
મીરાનું ભજન તો જોવો… કૃષ્ણના પ્રેમમાં દિવાની મીરા કરતાલ- પખવાજ વગર, રાગ – સૂર વગર પણ કૃષ્ણની ભકિતમાં લીન થવા આતુર છે. મીરા કહે છે કે જયાં અનહદ પ્રેમ હોય ત્યાં કરતાલની શું જરૂર ? મારૂં તો રોમરોમ કૃષ્ણ રંગમાં રંગાવા આતુર છે.
રાધા અને મીરાની તુલના નથી.. તેમની તુલના થઇ જ ન શકે. રાધા અને મીરા બન્ને પ્રેમ દિવાની.. કૃષ્ણ દિવાની… કૃષ્ણએ રાધાનો પ્રેમ અને મીરાની ભકિત સ્વીકારી જ છે. રાધા અને મીરા બન્ને શ્યામ રંગમાં રંગાઇ જવા આતુર છે. બન્નેની તલબ પણ એક જ છે. કૃષ્ણના પ્રેમમાં તરબોળ થવું અને કૃષ્ણના પ્રેમથી ભરેલી રંગોની પિચકારીથી ભીંજાવું-રંગાવું બન્નેને પસંદ જ છે.
હોળી-ધૂળેટી… રંગો સાથે રહેવાનો દિવસ.. રંગો પહેરીને હળવા થઇ જવાનો દિવસ.. ગમતી વ્યકિતને ઉમંગથી સ્પર્શી લેવાનો દિવસ.. રંગોની ભાત પણ કેવી સુંદર છે, કોઇ પર રંગ છાંટયા પછી પણ ધરતી પર પથરાયેલા રંગો મેઘધનુષી સ્વરૂપ ધારણ કરી લે છે. રંગોને એક જ ભાષા ગમે છે.. મુઠ્ઠીમાં સચવાયને ગમતી વ્યકિત પર આફરીન થઇ જવાની ભાષા.. ગમતી વ્યકિત પર રંગ સહજતાથી લગાડાય જ જાય છે. દિલની નજીક હોય તેને રંગ લગાડતી વખતે અને તેના દ્વારા રંગાતી વખતે એકબીજાના પ્રેમમાં રંગાઈ જવું એ ભાવના સહજ હોય જ છે… અને એ જ રાધા – મીરા કહે છે.. કૃષ્ણના પ્રેમમાં રંગાવાનું બન્નેને ગમે છે.
હોળી… રંગોનો તહેવાર.. જીવનના રંગોને જાણવાનો તહેવાર.. રિસાયેલાને મનાવવાનો તહેવાર.. કયાંક રંગોના ઢગલા તો કયાંક ફકત તિલક.. કયાંક ગાલ પર પ્રેમથી લગાડાતો ગુલાલ, તો કયાંક માન-આદરથી થતું કપાળ
આભાર – નિહારીકા રવિયા પર તિલક… કયાંક ગાલ ઘસીને ઉજવાતી હોળી તો કયાંક વડીલોને નમન કરીને ઉજવાતી હોળી… નાના-મોટા, અમીર-ગરીબ બધાનો તહેવાર.. હોળી બધા સાથે રમો… પણ જેમને રમવાની ઇચ્છા નથી તેમના પર રંગ ઊડાડવો એ સંસ્કાર નથી.. કયારેક હોળીમાં વિકૃત મગજના છોકરીઓની છેડતી કરવાના ઇરાદે રંગ ઊડાડે છે અને તેના અંગોને સ્પર્શ કરે છે, આ યોગ્ય નથી. હોળી તો એ છે કે જેમાં નિર્દોષતા હોય..એકબીજાનું માન સન્માન જાળવવાની ભાવના હોય… પ્રેમથી, ખુશીથી કોઇ રંગાવા તૈયાર હોય તો તેમના માટે રંગોના કુંડા હાજર હોય… પણ જેની રંગાવાની ઇચ્છા નથી તેમના માટે ચપટીક રંગ પણ ન ઊડાડાય..
રંગોનો જાદુ હજુ પણ એવો જ છે. રંગોમાં રંગાઇને ચામડી થોડો સમય માટે પોતાની ઓળખ ભૂંસી નાખે છે. અસલી રંગ પર હોળીનો રંગ ચડી જાય છે. કદાચ હોળીનું હાર્દ જ એ છે કે કોઇ પ્રેમથી આપણા જીવનમાં આવે ત્યારે પોતાની ઓળખ ભૂંસીને તેમના રંગે રંગાઇ જવુ.. કદાચ આ ગીત હોળીની સાચી ઓળખ આપે છે…
“ચામડીના ઉપવાસે કર્યુ પારણું ને બન્યા રંગો પહેરી પતંગિયું… ગમતી વ્યકિતને રંગવાની આડમાં સ્પર્શની ધસમસતી નદીયું….”
હોળીની શુભકામનાઓ….
deepa_soni1973@yahoo.com