કશી જ આનાકાની કર્યા વગર બંસીએ ચૂડી દર્શનના હાથમાં મૂકી. પોતાના બન્ને હાથ દર્શન સામે આગળ ધર્યા. દર્શન થોડુ હસી કિંમતી ચૂડી બંસીના કાંડામાં સરકાવી દીધી. એ સમયે દર્શનને પ્રબળ ઈચ્છા થઈ આવી…બેય હાથને ચૂમવાની. પરંતુ…..આ માનવમેળામાં તે આવુ કંઈ જ કરી ન શકયો.
જે ભાવ, જે આવેગ, જે પ્રેમ દર્શન પ્રત્યે બંસીને હતો તેવા ભાવ, આવેગ અને પ્રેમમાં આજે….અત્યારે હજારો ગણો વધારો થયો હતો. એટલે ગૌરવર્ણ મુખકમળ જાતજાતામાં રતુમડુ બન્યુ. શરમના લીસા લીસા શેવાળ સરખા શેરડા તેના વદન પર રમત રમવા લાગ્યા.
કોઈ દિવસ નહી ને આજે બંસીએ દર્શનનું કાંડુ પકડયું ને ચૂડીવાળી દૂકાનમાં અંદરની બાજુ એક તરફ જયાં કોઈ ન હતું ત્યાં દોરી ગઈ, પછી દર્શનની આંખો સામે આંખો સ્થિર કરી બોલીઃ ‘‘એક વાત કરુ….દર્શન?’’
‘‘વાતુ કરવા માટે તો મેળામાં આવ્યા છીએ…….’’ દર્શન બોલ્યો.
‘‘તુ મને ચાહે છે ને…? પ્રેમ કરે છે ને?’’
‘‘હા, તું જ મારો પ્રેમ છે.’’
‘‘અધવચ્ચેથી મને છોડી તો નહી મૂકે ને?
‘‘કદી નહી, તને આવો વિચાર કેમ આવ્યો?’’
‘‘મને ડર લાગે છે. તારુ દરબારી કુળ મને સ્વીકારશે?’’
‘‘મારા કુળમાં અલબત્ત ભગીરથસિંહ બાપુનુ હું એક સંતાન છું. મારુ કહ્યું સૌ કરશે.’’
‘‘તો પણ મને બીક છે. સાચુ કહુ છુ. તારા વગર એક એક દિવસ ને એક એક રાત કાઢવી હવે મારા માટે વસમી બનવા લાગી છે. રોજ રોજ મળી પણ કેમ શકાય? બાપુને, બાને શંકા ન પડે તેવી રીતે હું છાની છાની તને મળતી રહી. પણ, હવે તો વાત વધી મારા વિવાહ સુધી પહોંચી છે…..’’ બંસી અટકીને વળી પાછી બોલીઃ ‘‘ એ મારા વિવાહ બીજા કોઈની સાથે નક્કી થશે તો….હું વખ ઘોળીશ, કે કૂવે પડીશ. મે તો તને જ મારા વર તરીકે પસંદ કર્યો છે……’’ એ ન ભૂલતો’’
‘‘આવી નમાલી વાત ન કર બંસી’’ દર્શન બોલ્યોઃ ‘‘મોત માંગ તો તારુ નહી પણ આપણા બન્નેનું’’
‘‘સાચુ કહુ છુ દર્શન’’ બંસીએ કહ્યું ઃ ‘‘મને હવે કઈનુ કઈ થાય છે. શું થાય છે તેની મને ખબર નથી પડતી પણ, એકેય એવી જગ્યા કોરી નથી કે જયાં તારુ સ્મરણ ન થયુ હોય! વારે વારે મારી નજર સામે તું આવે છે. આવી પરિસ્થિતિ કેટલો સમય ખમવી? તું જ કહે……’’ નીચુ જાઈ બંસી બોલતી અટકી.
દર્શન સૂનમૂન બની ગયો. વિચારોના વર્તુળમાં તે ફસાયો. ત્યારે બંસીની સ્થિતિ તો રડુ કે રડશે જેવી હતી. શું કરવુ….શુ બોલવું? અનેક વિચારોના વમળમાં ઘેરાયેલો દર્શન બહાર નીકળવા કોશિશ કરવા લાગ્યો.
પછી, કંઈક વિચારીને દર્શને નીચે જાઈ રહેલી બંસીના ગૌરવર્ણ વદન પર હોઠની જમણીબાજુના ઘા ઘસરકા પર વહાલથી પોતાની હથેળી થામી દીધી અને કહ્યું ઃ ‘‘તું આમ ઢીલી ન થા, હું બેઠો છુ ને! તારુ કયાંય બીજે ગોઠવાય તે પહેલા હું કંઈક ચોક્કસ નિર્ણય કરી લઈશ. તને કયાંય જવા નહી દઉ બસ! આ મારુ એટલે કે એક દરબારનું..દર્શનનું વચન છે.’’
એ સાથે જ બંસીએ તેની હડપચી જરા ઉંચી કરી ને અપલક નેત્રે દર્શન સામે બસ જાતી રહી…..કયાંય સુધી. તેના નયનોમાં ઝળઝળિયાં કળાયાં, જે પિંગળી આંખોને વધુ સુંદરતા બક્ષતા હતા. એ ઝળઝળિયા કદાચ ખુશીના પણ હોઈ શકે. (ક્રમશઃ)