કપડાંના ઢગલા વચ્ચે બેઠેલી એક યુવતી રડતી હતી. આજુબાજુ એટલા કપડાં કે જાણે આખી દુકાન ખરીદી લાવી હતી. તે એક પછી એક કપડા ઉપાડતી, શરીરે અડાડી અરીસા સામે જોતી અને પછી ગુસ્સામાં ફગાવી દેતી. રડવાનું કારણ પુછતાં જણાવ્યું કે, “સાંજે પાર્ટીમાં જવાનું છે, શું પહેરુ? મારી પાસે કપડાં જ નથી ??”
      સ્ત્રી ઓને મુંઝવી દેતો યક્ષ પ્રશ્ર્ન.. “આજે શું પહેરું?” જેમની પાસે સુવા માટે છત નથી, ખાવા માટે રોટી નથી, પહેરવા માટે કપડાં નથી, એ લોકો અમુક બાબતે દુ:ખી કરતા સુખી હોય તેવું લાગે છે. કારણકે તેમની પાસે વિકલ્પ જ નથી. શું ખાવું? શું પહેરવું ? તેવા સવાલ તેને સતાવતા જ નથી. જયારે આપણી પાસે કબાટ ભરીને કપડાં હોય તો પણ એક જ સવાલ… ‘શું પહેરુ ??’
    ભોજન અને કપડાં બન્ને ક્ષણજીવી છે. પણ આપણે તેના પર જ કમાણી લૂંટાવી દેતા હોઇએ છીએ, અને તેમાંય સ્ત્રીઓને ખાસ આ બીમારી લાગુ પડે છે. આ નવી બીમારીનું નામ છે,  “વોર્ડરોબ રેજ”. વોર્ડ એટલે કબાટ.. અને રેજ એટલે ગુસ્સો… જે અહી પહેલાં જાત પર, પછી ચીજવસ્તુ પર અને છેલ્લે આસપાસના માણસો પર ઉતરે.
   આપણને બઘાને આવો અનુભવ થતો જ હોય છે. કયારેક કબાટના દરવાજા ખોલીને કપડાંના ઢગલા સામે જોયા કરીએ, પછી અફસોસ સાથે વિચારીએ કે ‘મારી પાસે પહેરવા માટે કંઇ છે જ નહી’ પછી મન વગર ગમે તે પહેરી લઇએ અથવા ઝટપટ નવું ખરીદી લઇએ. કબાટમાં ભલેને મેઘધનુષના રંગો કરતા પણ વધારે રંગના કપડા હોય, છતાં આપણી મુંઝવણ ઘટતી નથી.  મનમાં મુંઝવણ થતી હોય છે. એક તો પહેલા લીઘેલો મોંઘો ડ્રેસ ખાસ પહેર્યો ન હોય અને હવે તે આઉટ ઓફ ફેશન થઇ ગયો હોય તેનો અપરાધભાવ, બીજું અમુક કલર મારી પાસે છે જ નહી તેની ખીજ, ત્રીજું વધેલી કમર અને જમા થયેલા ચરબીના થર પર જુના કપડા ફીટ ન થાય તેનો ગુસ્સો, ચોથું ગમતા કપડાં હવે ઘસાઇ ગયા કે ઝાંખા થઇ ગયા તેનો અફસોસ, પાંચમું જયાં જવાનું છે ત્યાં આવા કપડાં સારા લાગશે કે નહી તેનો વિચાર, છઠ્ઠુ મેચીંગ પહેરુ કે કોન્ટ્રાસ્ટ ? આજે આ પહેરી લઉ કે બીજા ફંકશન માટે રાખું તેની મથામણ, આવા કેટલાય સવાલો કબાટની સામે ઊભા રહીને થતાં હોય છે. આવા સવાલ, આવી મુંઝવણ બઘાને થાય તો ખરી જ…
     મોટાભાગની સ્ત્રીઓ કબાટના ખુલ્લા બારણામાંથી કપડા સામે જોયા કરે છે, પછી થાય છે ઉચાટ અને તણાવ.. જો તમને આવું થતું હોય તો તમે પણ વોર્ડરોબ રેજના શિકાર બની ગયા છો એમ માનજો. એવું નથી કે આ બીમારી માત્ર સ્ત્રીઓને જ થાય છે, પુરુષોમાં પણ  થોડાઘણા અંશે આ સવાલો થાય છે. યુનિફોર્મમાં સ્કૂલના બાર વર્ષ વિતાવ્યા પછી કોલેજમાં જતા ટીનએજર્સને આવા સવાલ થાય જ છે. રોજ કપડાની પસંદગીમાં સમય બગાડયા પછી પણ જે પહેરાય તેમાં પણ ખુશી તો નથી જ મળતી અને બહાર જતાં પહેલા ચીડાઇને, ટ્રાય કરીને કે હાથમાં લઇને જોયેલા, પછી ન પહેરેલા કે પલંગ પર ફેંકેલા ઢગલો કપડાં બહારથી આવ્યા પછી પણ મૂડ બગાડી શકે છે, કારણકે  આપણે આપણી જાત માટે નહી પણ બીજાની લાઇક મળે તે માટે તૈયાર થતા હોઇએ છીએ. પોતાના કપડાં જોઇને બીજાની આંખમાં ચમક આવે એ માટે મથામણ કરતા હોઇએ છીએ. વળી, બઘાના મનમાં ગમતા ડ્રેસ કે કલર માટે અમુક ધારણા હોય જ છે. અમુકમાં આવા લાગીએ, આ ચાલે કે ન ચાલે એવા વિચારોમાં જયાં સુઘી મનથી સંતોષ ન થાય ત્યાં સુઘી કપડાં બદલતા જ રહીએ છીએ. તેમાં કપડાં કરતા મોટો ફાળો ઇમેજ જાળવવાનો હોય છે. જો કે બહાર જવાનું હોય ત્યારે તે સ્થળ કે પ્રસંગને ધ્યાનમાં રાખવા જોઇએ.
    ખરેખર તો કપડાંની પસંદગીમાં આરામ મળે તે ખાસ જોવું જોઇએ. પહેરતી વખતે આપણને અને જોતી વખતે સામેવાળાને આરામ મળે તે જોવું જોઇએ. જો કે કહેવાનો મતલબ એ નથી કે પોતાની ખુશી, ઇચ્છાને દબાવીને બીજાને અનુરૂપ આવે તેવા કપડાં પહેરવા, પરંતુ રોજ રોજ ફેશન શૉ છે અને રોડ એ રેમ્પ છે, જેના પર આપણે ફેશનેબલ મોડેલની જેમ વોક કરવાનું છે,  તેમ વિચારીને ખરીદી કરો તો કુબેરનો ખજાનો પણ ખાલી થઇ જાય. ઘણીવાર લીઘા પછી કે એકવાર પહેર્યા પછી કપડાનું આકર્ષણ ઘટી જાય છે. ઘણીવાર ઉત્સાહથી લીઘા પછી પહેર્યા વગર જ કપડાં જુના થઇ જાય છે.  અમુક જુના કપડાં આપણી પસંદના હોય તો મોહ છુટતો નથી.  કયારેક યાદગીરી રૂપે સાચવતા રહીએ છીએ. અમુક ફીટ લાગે તો અમુક ડ્રેસ માટે પ્રસંગ જ આવતો ન હોય, અમુકની ફેશન જુની થઇ ગઇ હોય, તો અમુક માટે કોઇએ કરેલી મજાક યાદ આવી જાય. અમુક કલર જે તે દિવસે ન પહેરાય કે અમુક પ્રવાસમાં જ પહેરાય વગેરે વગેરે… આવા અનેક કારણો જેનો સરવાળો એક જ કે રોજ રોજ વોર્ડરોબ સામે તાકવાનું… ખીજાવાનું… પસંદગીમાં ટાઇમ બગાડવાનો.. અને પછી બડબડાટ કરવાનો કે મારી પાસે પહેરવા લાયક કંઇ નથી.
     આ બઘાનો કોઇ ઉપાય છે ??? તો હા… આનાથી બચવું હોય તો એક જ ઉપાય… આડેધડ ખરીદી ન કરો, મનમાં ઉમળકો પ્રગટે અને અત્યંત ગમી જાય ત્યારે જ ખરીદી કરો. કપડાની સંખ્યા જેટલી વઘારે, પસંદગી માટે મુંઝવણ એટલી જ વઘારે. રિપ્લેસમેન્ટ થિયરી અપનાવો. નવી ખરીદી કરો ત્યારે જુના વસ્ત્રો જવા દો  જીવ ન ચાલે તો મન મારીને પણ આ કરો.  કબાટમાં નજર કરશો તો એવા કેટલાય ડ્રેસ નીકળશે જે તમે કેટલાય સમયથી પહેર્યા નથી  તો તેને સાચવવાનો શું અર્થ??  સારૂં એ છે કે આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જેને પહેરવા કપડા નથી તેમને આપી દો. તેમની ખુશી જોઇને તમને પણ ખુશી થશે.
       વધુ યોગ્ય એ છે કે અમુક પેટર્નના જ કપડા ખરીદવા કે જે આઉટ ઓફ ફેશન થાય જ નહી. હરિન્દ્ર દવેની એક પંકિત, “સોળે શણગાર સજી અમે નીકળ્યા બહાર, અમોને લાગી નજર”
બસ આવો જ અહેસાસ થાય એટલે પૈસા વસુલ. બાકી તો આખું બજાર ખરીદી લો તો પણ કંઇક તો બાકી રહી જ જાય. ખરેખર તો કપડાના બે જ હેતુ છે, ઉપયોગીતા અને આનંદ. બાકી વ્યકિતત્વ તો તમારી સ્ટાઇલ, તમારી વાચા, આવડત અને આત્મવિશ્ર્વાસ જ ઉપજાવે છે.