હમણાં મારી સખી સંગીતાએ નવું ઘર લીધું. વાસ્તુ વિધિ વખતે હું જઇ ન શકી. સંગીતા જયારે ફોન પર વાત થાય ત્યારે ઘરે આવવાનું આમંત્રણ આપતી હતી. દિવાળી પછી નવા વર્ષના બહાને જવાનું નકકી કયું.
નવા વર્ષ પછી ખાસ સમય લઇને સાંજે તેના નવા ફલેટમાં ગઇ. ફલેટ ખરેખર બહુ સરસ હતો. ચાર બેડરૂમ, વિશાળ હોલ, આધુનિક કિચન, ટેરેસ.. ઘણી સગવડતાવાળો ફલેટ હતો. ઘરમાં ફર્નિચર પણ નવું હતું. સંગીતા ઉત્સાહથી બધું બતાવતી હતી. તેણે કહ્યુ કે, “આ ફલેટ મારા પતિએ જ પસંદ કર્યો છે. હું તો જોવા પણ આવી ન હતી. બધું ફાઇનલ થઇ ગયુ પછી જ હું જોવા આવી. જો… આ ફર્નિચર પણ તે જ પસંદ કરીને લાવ્યા છે. આ પડદા મારી દીકરી હેતાએ પસંદ કર્યા છે. જો આ ઝુમ્મર.. આ ફલાવરવાઝ… આ સ્ટેચ્યૂ.. બધું જ હેતાની પસંદનું છે. દિવાલમાં કલર અને છતની ડિઝાઇન મારા દીકરા કેયુરે પસંદ કર્યા છે. જો આ પૂજાનો રૂમ.. મંદિર.. મારા સાસુની પસંદનું છે.”
બધું જોયા પછી તેણે જમવા માટે ઘણો આગ્રહ કર્યો પણ મે ના પાડી એટલે નાસ્તો મુકયો. નાસ્તા વખતે પણ તે મને આગ્રહ કરીને ખવડાવતા કહેતી રહી કે .. “તારા જીજાને જાંબુ બહુ ભાવે એટલે જાંબુ બનાવ્યા છે… હેતા માટે રસગુલ્લા અને કેયુર માટે ચોકલેટ રોલ.. સાસુ થોડા જુનવાણી એટલે તેમના માટે મઠિયા.. ચોળાફળી એવું બધું બનાવ્યુ છે.” હું તેનો ઉત્સાહ જોતી રહી. બે – ત્રણ કલાક રહીને ઘરે આવી.
બીજા દિવસે મારી ધારણા પ્રમાણે જ તેનો ફોન આવ્યો. તે બોલી … “દિપા .. કેવુ લાગ્યુ મારું ઘર ?” .. તેના અવાજમાં ઉત્સાહ અને જવાબ માટેની આતુરતા હતી. એક મિનિટ વિચારીને હું બોલી.. “ સંગી… તારુ ઘર ?? તે ઘરમાં તું મને કયાંય જોવા ન મળી.. તારી પસંદની એક પણ વસ્તુ મને ન મળી.. છતાં તારું ઘર ????”
સામા છેડે મૌન પ્રસરી ગયુ. હું સમજી ગઇ કે તેની આંખમાં આંસુ હશે જ… બે મિનિટ પછી તે બોલી… “સાચી વાત છે.. મારી પસંદ શું છે તે તો હવે હું ભૂલી જ ગઇ છું..”
સંગીતાની વાત બિલકુલ સાચી છે. આપણે સ્ત્રીઓ સંસારમાં પરોવાયા પછી આપણી પસંદ ભૂલી જઇએ છીએ. રસોઇથી લઇને ઘરની પસંદગી સુધી બધી વાતમાં સ્ત્રીની પસંદગી ગૌણ ગણવામાં આવે છે. આપણે પતિ-બાળકોની પસંદને જ આપણી પસંદ બનાવી લઇએ છીએ. ટીવી જોવામાં પણ બાળકોના કાર્ટુન અને પતિના સમાચાર કે ક્રિકેટ પતે પછી જ આપણી સિરિયલનો વારો આવે છે. કહેવાઈએ છીએ તો આપણે ઘરની લક્ષ્મી… પણ પસંદગીની બાબતમાં આપણે ગમે તેટલા ભણેલા કે હોશિયાર હોઇએ.. છતાં આપણું કંઇ ઉપજતુ નથી. આપણે હશે.. ચાલશે… બધાને ગમે તે સાચું… એમ કહીને ખુશ થઇએ છીએ. પણ આપણાં ઘરમાં… આપણી જીંદગીમાં આપણી પસંદને તક મળે તે માટે આપણે આપણી વાત રજુ કરવી જોઇએ. પુરુષોએ પણ બધી બાબતમાં પત્ની સાથે વાત કરીને નિર્ણય લેવો જોઇએ.
જો કે આ વાત બધાએ અને ખાસ તો સ્ત્રીઓએ પણ સ્વીકારી લીધી છે કે ખરીદીની બાબતમાં પુરુષનો મત મહત્વનો.. ખાલી ખરીદી જ શું કામ ? રસોઈ શું બનાવવી થી લઈને કોની સાથે સંબંધ રાખવો કે કોને ઘરમાં આમંત્રણ આપવું એ પણ પુરુષો જ નક્કી કરે છે. અને આ સ્થિતિ નિમ્ન વર્ગમાં હોય એવું નથી, કહેવાતા સુધરેલા, આધુનિક ઘરોમાં પણ આ જ સ્થિતિ છે.
સ્ત્રીઓ નાનપણથી જ નાની નાની બાબતોમાં ખુશ થવાનું શીખી જાય છે. નાનપણથી જ તે સમજી ગઈ હોય છે કે મહત્વના નિર્ણયોમાં તેને બોલવાનો હક્ક નથી. સાસરે ગયા પછી તો સાસુ સસરા, પતિ અને પછી બાળકોની પસંદને જ અપનાવી લે છે. તેમની ખુશીમાં જ પોતાની ખુશી શોધી લે છે… ‘રસોઇ સરસ બની છે’ એ વાક્ય પર પણ ખુશ થઈ જાય છે અને ભૂલી જાય છે કે આ વાનગી તો તેને ભાવતી પણ નથી.. નાની નાની વાતમાં પણ તે પોતાનો મત આપવાનું ભૂલી જાય છે. પણ આ પરિસ્થિતિ સાચી નથી. જે ઘરમાં આખી જિંદગી રહેવાનું છે, એ ઘરની સજાવટમાં, પસંદગીની વસ્તુઓ રાખવાનો સ્ત્રીઓને હક્ક છે જ… અને આ હક્ક પુરુષોએ તેમને આપવો જ જોઈએ..
ઘરની લક્ષ્મી તરીકે સ્ત્રીને બધા હક્ક આપવા એ તેના પતિની જવાબદાર છે. તમે પણ વિચારજો… તમારા ઘર પર તમારો કેટલો હક્ક છે ???