“સાધુઓની લક્ષ્મણવૃત્તિ”
સાધુઓએ દમ અને શમના ઉપાયોને સમજીને બહેનો પ્રત્યે લક્ષ્મણવૃત્તિથી જીવવું જાઇએ. રામાયણની પ્રસિદ્ધ કથા છે કે, સીતાજીની શોધ કરતા કરતા ભગવાન શ્રીરામચંદ્રજી જ્યારે ઋષ્યમૂક પર્વત પર પધાર્યા, ત્યારે વાનર સમુદાયે ભગવાનની સમક્ષ ભગવતી સીતાજીના અલંકારો ધર્યાં અને કહ્યું,“થોડા સમય પહેલા રાક્ષસરાજ રાવણ કોઇ સ્ત્રીનું અપહરણ કરીને આકાશમાર્ગે જતો હતો, ત્યારે એ સ્ત્રીએ અમને જાઇને આ અલંકારો ધરતી ઉપર ફેંકેલા. શું આ અલંકારો સીતાજીના તો નથી ને ?”
ભગવાન શ્રીરામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું,“લક્ષ્મણ ! તમે જુઓ, આ અલંકારો જાનકીજીના છે કે બીજા કોઇના ?” આ સમયે રામાયણમાં લક્ષ્મણજીની સુપ્રસિદ્ધ ઉક્તિ છે,
केयुरे नैव जानामि नैव जानामि कुण्डले ।
नूपुरे त्वैव जानामि नित्यं पादाभिवंदनात्‌ ।।
લક્ષ્મણજીએ અલંકાર પરીક્ષા કરતા કહ્યું કે,“હે ભગવન્‌ ! આ બાજુબંધ કોના છે ? તે હું જાણતો નથી. આ કુંડલ કોના છે ? તે પણ હું જાણતો નથી. પરંતુ આ ઝાંઝર મારી માતા જાનકીજીના છે. હું જ્યારે રોજ મા જાનકીજીના ચરણોમાં વંદન કરતો, ત્યારે આ નૂપુરનાં મને દર્શન થતાં હતાં.”
લક્ષ્મણજીની આ વૃત્તિ સરાહનીય છે. સાધુઓના હૃદયમાં સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ લક્ષ્મણજી જેવો સાહજિક હોવો જાઇએ, રાગ-દ્વેષ કે તિરસ્કાર ભરેલો નહિ. સાધુઓની સાધના સમજણપૂર્વકની હોવી જાઇએ અને બહેનોના ચરણોમાં દૂરથી વંદન કરતાં શીખવું જાઇએ. માત્ર સ્ત્રીઓથી દૂર રહેવાથી વાત પૂરી થતી નથી. અંતરનો અભિગમ બદલવાથી જ સાધના પરિપક્વ થતી હોય છે.