૪૨ વર્ષની સુષ્મા, વર્કિંગ વુમન છે. હજી ચાર પાંચ વર્ષ પહેલાં ઉત્સાહથી છલકતી, તેજતર્રાર, દરેક કામને સમયસર પૂરી કરનારી, ઘર અને કામ વચ્ચે બેલેન્સ જાળવનારી સુષ્મા હમણાં બદલાય ગઈ છે. તેને બેલેન્સ જાળવવામાં તકલીફ પડે છે. હાથમાં લીધેલું કામ સમયસર પૂરું કરી શકતી નથી. જો સમય સાચવવા જાય તો કામ બગડે છે. તેના પર કામનું પ્રેશર વધતું જાય છે. તેના ઘરના કામ પર પણ અસર પડે છે.‌ ઓફિસમાં સમયસર કામ પૂરું ન કરવા બદલ બોસનો ગુસ્સો સહન કરવો પડે છે. ઓફિસેથી થાકીને ઘરે આવે તો ઘરનું કામ પણ સંભાળી શકતી નથી. તેના મનને ક્યાંય શાતિ-ચેન નથી. છેલ્લા થોડા દિવસથી કાલ્પનિક ભયથી તે પીડાય છે. ક્યારેક તેનું ધ્યાન વાળની સફેદી તરફ જાય છે, તો ક્યારેક ચહેરાની ઢીલી પડતી ત્વચા તરફ. આવનારી વૃધ્ધાવસ્થાનો છુપો ભય તેને ધેરી વળ્યો છે. હંમેશા મસ્ત રહેનારી સુષ્મા આજકાલ ત્રસ્ત રહે છે. વૃધ્ધ થઈ જઈશ ? એવો વિચાર તેના મનને ધેરી વળ્યો છે. પોતાની જાતને હવે અસલામત અનુભવે છે. હંમેશા હસતી, બોલતી સુષ્મા મોટાભાગે ચૂપ રહે છે.‌તેના સાથી કર્મચારીઓ અને તેના ઘરના લોકો તેના વર્તનથી નવાઈ પામે છે.
      સુષ્માની સહેલી જયોતિ પણ ૪૩ વર્ષની છે, પણ તે આ મિડલ એજ ક્રાઈસિસમા ઉદાસ થવાને બદલે સ્વસ્થતાથી રહે છે. આ ગાળો મુશ્કેલ ભર્યો બનાવવાને બદલે પોતાને મનગમતા શોખ માટે થોડો સમય ફાળવે છે. તેણે ટાઈમ મેનેજમેન્ટ પણ શીખી લીધું છે.‌૪૦ + પછી તેનામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો છે. વાળમાં આવતી સફેદી તેને પરેશાન નથી કરતી. ઉંમરના આ પડાવને તેણે સ્વીકારી લીધો છે. એટલે માનસિક કટોકટીના આ સમયમાં તેને ખાસ વાંધો નથી આવતો.
      સુષ્મા ની જેમ મોટાભાગની સ્ત્રીઓ ચાલીસી વટાવ્યા પછી ખુશ રહેવાને બદલે ચિંતામાં જીવતી હોય છે. તેનો પોતાની જાત પરનો ભરોસો રહેતો નથી. આવતી વૃધ્ધાવસ્થાનો ડર તેના ઉત્સાહને મારી નાખે છે. તે હંમેશા તાણમાં રહીને ખુશીને ગુમાવી બેસે છે. વધતી ઉંમરે પણ ખુશ રહી શકાય છે. ઉંમર વધવાની સાથે વ્યકિતત્વ સાથે સંકળાયેલી ઘણી સારી બાબતો પણ બને છે. આવો આવી બાબતો પર નજર કરીએ.
        સાઈક્રિયાટ્રિસ્ટના કહેવા મુજબ જેમ જેમ ઉંમર વધે તેમ આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એનું કારણ એ છે કે ઉંમરના દરેક તબક્કે અનેક પડકારો સામે લડ્યા હોઈએ છીએ. યુવાનીમાં સારા-ખરાબ અનુભવો, ચડતી-પડતી, આર્થિક-સામાજિક મૂશ્કેલી જેવા ઘણા સંજોગોનો સામનો કર્યો હોય છે, જેથી અનુભવો મળી ચૂક્યા હોયે છે, અને તેથી જ વધતી ઉંમરે માણસ વધુ પરિપક્વ અને હોશિયાર બનતો હોય છે.
      જેમ ઉંમર વધતી જાય તેમ ગુસ્સો ઓછો થતો જાય છે. યુવાનીમાં વારંવાર આક્રમક થઈ જતાં લોકો પણ વધતી ઉંમરે મૌન રહેતા શીખી જાય છે, કારણકે આ ઉંમરે સમજાય છે કે ગુસ્સો કરવો, ઝઘડો કરવો એ બઘું નિરર્થક છે અને એટલે જ તેનામાં સહનશક્તિ વધી જાય છે. નાની નાની બાબતોને નજરઅંદાજ કરતા શીખી જાય છે જેથી તે તાણ મુક્ત રહી શકે છે.
      ઉંમરની સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. નિર્ણય સાચા અને યોગ્ય જ લેવાય છે. નાની ઉંમરમાં લેવાયેલાં નિર્ણય ક્યારેક ઉતાવળીયા અને અધકચરાં હોય છે. જ્યારે અનુભવના આધારે લેવાયેલા નિર્ણયો સચોટ હોય છે.‌ આ ઉંમરે લાગણીનું સ્તર પણ વધે છે. એકબીજા પ્રત્યે લાગણી-પ્રેમ-સહાનુભૂતિ વધે છે. એકબીજાના સુખ-દુખ અને લાગણી વધુ સારી રીતે સમજાય છે, વધુ સમજદાર બંને છે.
       યુવાનીમાં આપણે અનુભવ સિદ્ધ નથી હોતા. ઉપરાંત જાત સાથે, દુનિયા સામે, વડીલો સામે, સગા સંબંધી, દોસ્તો સામે જાતને પૂરવાર કરવાની આક્રમકતા હોય છે. પડકાર ઝીલવાનો ઉત્સાહ હોય છે. તેમાં ક્યારેક એવું બને છે કે એક કામ કરવામાં બીજું કામ છૂટી જાય છે. ક્યારેક કામની પ્રાથમિકતા નક્કી કરવામાં ઉણા ઉતરીએ છીએ. પણ વધતી ઉંમર સાથે કામની પ્રાથમિકતા નક્કી કરવાની ફાવટ આવી જાય છે. ટાઈમ મેનેજમેન્ટ કળા પણ આવડી જાય છે. આપણે રિલેકસ રહીને બઘું કામ સારી રીતે કરી શકીએ છીએ.
    આ ઉંમરે જીવનસાથી સાથે વિશ્ર્વાસ અને આત્મિયતા વધે છે, સલામતી મળે છે, પ્રેમમાં વધારો થતો જાય છે. આ ઉંમરે માણસ સંબંધો પ્રત્યે ગંભીર બને છે, મિત્રોની સંખ્યા વધે છે, સ્વજનો, પ્રિયજનો સાથે આત્મિયતા વધે છે. લોકો સાથેનું વર્તન પ્રેમાળ બંને છે. સંબંધો અને આપ્તજનો દિલની વધુ નજીક આવે છે. સોશ્યલ સપોર્ટ સિસ્ટમ વિકસે છે.
     તો… વધતી ઉંમરની ચિંતા છોડો, વાળની સફેદીને નજરઅંદાજ કરો, ઢીલી પડતી ત્વચા સામે જોવાને બદલે મજબૂત બનતા સંબંધો નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ ને પ્રાથમિકતા આપો… અને મસ્ત રહો… ત્રસ્ત નહીં…