“સાસુ” એટલે ખરા અર્થમાં તો જીવનસાથીની માતા. પરંતુ આપણા સમાજમાં આ શબ્દને જે વિશિષ્ટતા મળી છે તે પતિની માતાની ભૂમિકા કારણે મળી છે. આપણી ટીવી સિરિયલો મોટાભાગે સાસુ વહુના સંબંધો પર જ આધારીત હોય છે. મોટાભાગે પુત્રવધુને અન્યાયનો ભોગ બનતી બતાવવામાં આવે છે. વહુએ બનાવેલી રસોઈ ક્યારેય સાસુએ બનાવેલી રસોઈ જેટલી સ્વાદિષ્ટ નથી હોતી. વહુની રોટલી ક્યારેય સાસુની રોટલી જેટલી નરમ નથી હોતી. આવું બધું દરેક સાસુ વહુના સંબંધમાં જોવા મળે છે. આવા પ્રસંગોમાં વહુનો સહારો દેરાણી જેઠાણી કે સખી હોય છે. તેઓ પોતપોતાના દુઃખ રડીને મનને હળવું કરી લે છે. ક્યારેક તેઓ સાસુ સામેની યોજના પણ બનાવે છે. મન ભરીને નિંદા પણ કરે છે. આવી વાતો તેમના જીવનમાં રોમાંચ જગાવે છે. ધાર્મિક કે સામાજિક પ્રસંગો તેમને વાત કે નિંદા કરવાની વધારાની તક પૂરી પાડે છે. આ સંબંધો એટલા મસાલેદાર હોય છે કે દરેક સ્ત્રીએ ક્યારેક અનુભવ કરવો જ જોઈએ.
પુરુષોની વાત કરીએ તો તે બેમાંથી કોઈનો પક્ષ લઈ શકતો નથી. ઘરની દરેક ઘટના સાક્ષી ભાવે જોવે છે. ક્યારેક તો ઘટનાના સાક્ષી ન બનવું પડે એટલે ઘરથી દૂર નીકળી જાય છે. પરંતુ ઓફિસમાં ચાલતા રાજકારણમાં તેમજ બોસ સાથેના સંબંધમાં તેની આ જ સ્થિતિ છે. રજાના દિવસે આપેલું વધારાનું કામ કે રાખેલી મિટિંગ, બોસ દ્વારા નાખવામાં આવતો કામનો બોજ, પરફેક્ટ કામમાંથી પણ બોસ દ્વારા શોધવામાં આવતી ભૂલ. આ બધું કર્મચારીના મનમાં વહુ જેવી લાગણી જન્માવે છે. બોસને અનેક પ્રકારના નવાનવા નામથી નવાજતો કર્મચારી સાસુ સામે મોરચો માંડનારી વહુ જેવો લાગે છે. વળી ઘણીવાર બોસ કામની ફાળવણીમાં પણ પક્ષપાત કરે છે. કોઈક કર્મચારીને ખાસ પ્રકારના લાભ આપે છે, જ્યારે કોઈ કર્મચારીના ભાગે માત્ર કામ જ આવે છે. આ બધી બાબત કર્મચારીઓના મનમાં કચવાટ ઉભો કરે છે. કર્મચારી જેટલો હોશિયાર એટલો તેના પર કામનો બોજ વધારે આવે છે, અને પછી થાકેલા-કંટાળેલા અસંતુષ્ટ કર્મચારીઓ બોસને પાઠ ભણાવવા માટે યોજના બનાવે છે. જો કે પછી ખરાબ પરિણામના ભયથી બધી યોજના અમલમાં મૂકતાં નથી. પરિણામે મનમાં અસંતોષ ઘંંટાતો રહે છે. જે રીતે યુવાન સ્ત્રીઓ ભેગી થાય ત્યારે સાસુની કથા કરતી હોય છે, તે જ રીતે પુરુષોની વાતનો વિષય પણ બોસ જ હોય છે. સમદુખિયા વચ્ચે બંધુત્વની ભાવના ખીલે છે. એકબીજાના હરીફ એવા કર્મચારીઓ પણ બોસના મુદ્દા પર એકમત થાય છે.
સાસુ વહુ અને બોસ કર્મચારીના સંબંધોની બાબતમાં ઉદભવતી પરિસ્થિતિ પણ સમાન હોય છે. દીકરા-વહુના ઘરે જ્યારે સાસુ આવવાના હોય ત્યારે ઘર એકાએક નવું સ્વરૂપ ધારણ કરે છે. ઘરમાં બધું વ્યવસ્થિત અને સ્વચ્છ બની જાય છે. સાસુને ભાવતી વસ્તુ ઘરમાં આવી જાય છે. સારી ક્રોકરી, બેડશીટસ, પડદા બધું જ આવી જાય છે. બાળકોને પણ દાદીનો આદર કરવાનું શીખવાડવામાં આવે છે. અને જ્યારે બોસ આવવાના હોય ત્યારે પણ આવું જ વાતાવરણ ઓફિસમાં ઊભું થાય છે.
બોસ અથવા શ્વસુર પક્ષના ઘરમાં લગ્ન લેવાના હોય ત્યારે પણ સમાન પરિસ્થિતિ જોવા મળે છે. કપડાથી લઈને આપવાની ભેટ બાબતે વહુ અને કર્મચારીઓના મનમાં અનેક વિચારો આવે છે.‌ ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ પ્રસંગમાં હાજરી અનિવાર્ય બની જાય છે. યજમાન દ્વારા કરવામાં આવતું સ્વાગત અને ભોજનના વખાણ ફરજિયાત બની જાય છે.
બોસ અથવા સાસુ જ્યારે મદદ માંગે ત્યારે પણ સરખી સ્થિતિ ઉદભવે છે. મદદ માટે ક્યારેય ના નથી કહી શકાતું. તેમાં પણ જ્યારે સાસુ કે બોસ બહારગામ જવાના હોય ત્યારે ઘર સાચવવાની અને ગાર્ડનમાં પાણી છાંટવાની જવાબદારી પણ આવી જાય છે. સાસુ અને બોસ ભૂતકાળમાં આવી સ્થિતિમાંથી પસાર થઈ ગયા હોવાથી તે બદલો લેતાં હોય તેવું લાગે છે.
આમ, સાસુ વહુ અને બોસ કર્મચારીના સંબંધનો અનુભવ સ્ત્રી પુરુષને સમાન રીતે થાય છે. લક્ષણોમાં ભેદ હોઈ શકે, પણ કારણો સરખા જ હોય છે. લક્ષણો તીવ્ર કે મંદ હોઈ શકે, પણ તેનો સામનો પ્રેમ, ધીરજ અને સમજથી કરવો જોઈએ. આ લક્ષણો મંદ બનાવી શકાય છે, પણ નિવારી શકાતા નથી…
ભગવાન બચાવે સાસુ અને બોસ થી…. deepa_soni1973@yahoo.com