દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હંગામો મચી ગયો. અહેવાલો અનુસાર, મંગળવારે સવારે લગભગ ૮ઃ૩૯ વાગ્યે દિલ્હી વિધાનસભાના સ્પીકરના સત્તાવાર ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ઈમેલમાં વિધાનસભા પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ, પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસની એક ટીમ વિધાનસભા પરિસરમાં પહોંચી અને તપાસ હાથ ધરી. તપાસ પૂર્ણ કર્યા પછી પોલીસ ટીમ ઘટનાસ્થળેથી રવાના થઈ ગઈ. આ ધમકી ખાલિસ્તાની સંગઠન દ્વારા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ પહેલા, ૧૧ જુલાઈના રોજ, રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એક ફોન કરનારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે તાત્કાલિક દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ત્યારબાદ મામલો ઉત્તર જિલ્લા પોલીસને પહોંચાડવામાં આવ્યો હતો. માહિતી મળતાં, દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ તપાસ અને સુરક્ષા પગલાં શરૂ કર્યા હતા. જાકે, તપાસ બાદ, ઉત્તર જિલ્લા પોલીસે ધમકીભર્યા કોલને ખોટો જાહેર કર્યો હતો.
એક દિવસ પહેલા, ૧૦ જુલાઈના રોજ, લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય સામે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી બાદ, સુરક્ષા એજન્સીઓએ બંને સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, દિલ્હી સચિવાલયને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. માહિતી મળતાં, ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
૧૮ ઓગસ્ટની સવારે, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૨ થી વધુ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઇમેઇલ મળ્યા. પોલીસે શાળાના પરિસરની તપાસ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઇમેઇલ્સ જીમેલ એકાઉન્ટમાંથી મોકલવામાં આવ્યા હતા અને ૩૧ ઓગસ્ટના રોજ શાળાઓને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ પરિસરની શોધખોળમાં કંઈ મળ્યું નહીં. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાઓમાં અનેક ટીમો મોકલી. અધિકારીઓએ જણાવ્યું કે સંપૂર્ણ તપાસ પછી, બધી ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું, કારણ કે કોઈપણ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી.