અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના વિજિલન્સ વિભાગની કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૬ દરમિયાન કોર્પોરેશનમાં ગેરરીતિ, કથિત કૌભાંડ અને બેદરકારી સંબંધિત કુલ ૨,૫૭૮ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જાકે, આ ફરિયાદોમાંથી મોટાભાગના કેસમાં કડક શિસ્તાત્મક કાર્યવાહી થઈ ન હોવાનું ઉપલબ્ધ વિગતો પરથી જાણવા મળે છે.પ્રવાસ માર્ગદર્શિકા પુસ્તકો ખરીદવા આંકડા પ્રમાણે, કુલ ફરિયાદોમાંથી ૧,૯૦૭ કેસ પુરાવાના અભાવે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ૩૭૩ કેસ હજુ પેન્ડીંગ છે. માત્ર ૨૯૮ અધિકારીઓ-કર્મચારીઓ સામે નોટિસ અથવા દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓને કારણે એએમસીના વિજિલન્સ વિભાગની તપાસ પ્રક્રિયા, જવાબદારી નક્કી કરવાની પદ્ધતિ અને કથિત ગેરરીતિ સામે લેવાતાં પગલાં અંગે ચર્ચા શરૂ થઈ છે.
છેલ્લા છ વર્ષ દરમિયાન એએમસીમાં વિવિધ ફરિયાદો અને તપાસોના આધારે અલગ-અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
૧૯ કર્મચારીઓને નોકરીમાંથી રિમૂવ કરવામાં આવ્યા,૧૪૫ કર્મચારીઓના ઇજાફા ચોક્કસ સમય માટે રોકવામાં આવ્યા,૭૩ કર્મચારીઓને ઉચ્ચક દંડ કરવામાં આવ્યો,૬૦ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી એએમસીના સૌથી ચર્ચાસ્પદ મુદ્દાઓમાં હાટકેશ્વર બ્રિજનો મામલો પણ સામેલ છે. બ્રિજ મામલે કુલ ૮ કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી, પરંતુ તેમાંથી એક કર્મચારીનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી હાલ ૭ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. આ તપાસને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનો અંતિમ નિકાલ થયો નથી. જેના કારણે જવાબદારી નક્કી કરવામાં થઈ રહેલા વિલંબ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન અમદાવાદમાં થયેલા આશરે ૪૫૦ કરોડના રોડકામ દરમિયાન હલકી ગુણવત્તાના બિટુમીનના ઉપયોગને લઈને વિવાદ થયો હતો. આ મામલે ૧૧૦ કર્મચારીઓ પાસેથી કુલ ૧.૧૯ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ વર્ષ ૨૦૨૫માં તપાસ પૂર્ણ થયા બાદ આ તમામ ૧૧૦ કર્મચારીઓને ક્લીનચીટ આપવામાં આવી હતી. આ કારણે અગાઉ દંડની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં અંતે જવાબદારીમાંથી મુક્તિ કેવી રીતે મળી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદના આશરે ૨૦૦ પમ્પીંગ સ્ટેશનોની તપાસ દરમિયાન ૪૦ સ્ટેશન પર કોન્ટ્રાક્ટમાં નિર્ધારિત સંખ્યા કરતાં ઓછા કર્મચારીઓ હાજર હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. જાકે, આ તપાસ હજુ ચાલુ હોવાનું જણાવાયું છે. તપાસનો અંતિમ અહેવાલ અને તેના આધારે જવાબદારી નક્કી કરવામાં આવી છે કે નહીં તે પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે.
એએમસીના વિજિલન્સ વિભાગના છેલ્લા છ વર્ષના આંકડા હવે ચર્ચાના કેન્દ્રમાં છે. એક તરફ ૨,૫૭૮ ફરિયાદો નોંધાઈ છે, તો બીજી તરફ ૧,૯૦૭ ફરિયાદો પુરાવાના અભાવે બંધ કરવામાં આવી છે અને ૩૭૩ કેસ હજુ પેન્ડીંગ છે. સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ફરિયાદો બાદ તપાસની પ્રક્રિયા કેટલી અસરકારક રહી? પુરાવાના અભાવે બંધ કરાયેલા કેસોમાં તપાસની ગુણવત્તા કેવી હતી? તેમજ વર્ષોથી પેન્ડીંગ કેસોનો નિકાલ ક્યારે થશે? આ સમગ્ર સ્થિતિને કારણે એએમસીના વિજિલન્સ વિભાગની કાર્યક્ષમતા અને તપાસની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે.








































